PM મોદીનો દાવો ગુજરાતમાં આ જગ્યાએ એક લાખ લોકોને રોજગારી મળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે અમારી સરકારનું મન હંમેશા ખૂલ્લું છે અનેએ અમારી ટોચ પ્રાથમિકતા છે જ, એટલે ખેડૂતોએ સહેજ પણ ગભરાવાની કે ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી. દેશના નાના અને સિમાંત ખેડૂતોના કલ્યાણ માટે અમારી સરકારે જે કૃષિ કાયદાઓમાં જે સુધારાઓ કર્યા છે તે નુકશાનકારક નહી પણ ફાયદાકારક છે. આજે દિલ્હીમાં કેટલા વિઘટનકારી તત્વો ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહયાં છે, તે નિંદનીય હોવાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ‘આજે દેશ પૂછી રહ્યો છે કે, અનાજ અને દાળ ઉત્પન્ન કરવાવાળા નાના ખેડૂતોને તેમનો પાક બજારમાં વહેંચવાની આઝાદી શા માટે ન મળવી જોઇએ ?’ ખેડૂતો માટેના કૃષિ બીલમાં જે સુધારાઓ અમારી સરકારે કર્યા છે તેજ સુધારા માટે ભૂતકાળમાં વિપક્ષના લોકો સમર્થનમાં હતા. પરંતુ તેમની સરકાર હતી ત્યારે એમણે કશુ કર્યુ નહી અને આજે ખેડૂતોના ખંભે બંધુક ફોડીને રાજનિતિ કરવા નિકળ્યા છે, તેને મારા દેશના જાગૃત ખેડૂતો જાકારો આપશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાન મોદીએ આજે કચ્છના ધોરડો ખાતે ત્રણ જેટલા પ્રકલ્પોના વર્ચ્યુઅલ શિલાન્યાસ પ્રસંગે આહવાન કરતાં કહ્યું કે, ખેડૂતોના મનમાં તાજેતરના કૃષિ વિષયક સુધારાઓ સંદર્ભે જે પણ શંકા આશંકા હશે તે તમામ શંકા આશંકાનું સમાધાન કરવા માટે મારી સરકારનું મન હંમેશા ખૂલ્લુ છે. કેમ કે ખેડૂતોનું હિત જ અમારા માટે સર્વોપરી છે. ખેડૂતોનો ખર્ચ ઓછો થાય, મૂશ્કેલીઓ ઓછી પડે અને ખેડૂત આર્થિક રીતે સદ્ધર થાય તે માટે અમારી ઇમાનદાર સરકરના ઇમાનદાર પ્રયાસો રહેશે જ. એટલા માટે સમગ્ર દેશના ખેડૂતોના આર્શિવાદ અમને મળ્યા છે અને આજ ખેડૂતોની તાકાતથી અમે તમામ સમસ્યાઓનું સમાધાન લાવશું એટલે ખેડૂતોના નામે રાજનીતી કરનારા લોકો ચેતી જાય. દેશભરના ખેડૂતો અમારી પડખે છે અને રહેશે જ એવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દેશના સપૂત સરદાર વલ્લભ પટેલની પૂણ્યતીથીએ આજે કચ્છમાં નવી ઉર્જાનો સંચાર થઇ રહ્યો છે. વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ રીન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ થયો છે. સીંગાપોર-બહેરીન જેવા દેશો જેટલા વિસ્તારમાં એટલે કે 70,000 હેકટરમાં આ પાર્ક બનવાનો છે. આજે કચ્છમાં ન્યુ એજ ટેકનોલોજી અને ન્યુ એજ એનર્જીના 3 પ્રકલ્પોનો શિલાન્યાસ થયો છે તે કચ્છના વિકાસમાં નવા આયામો પ્રસ્થાપિત કરશે. તેનો લાભ ખેડૂતો અને પશુપાલકોને પણ મળશે.

વડાપ્રધાને કહ્યું કે, એક સમયે એવુ કહેવાતું કે કચ્છ એટલે પડકારનો પર્યાય છે. વીજળી-સડક-પાણીની સમસ્યા રહેતી આજે સમયમાં બદલાવ આવ્યો છે. કચ્છ સર્વાંગી રીતે વિકસ્યું છે. કચ્છનો વિકાસ થાય જ નહી તેવું માનનારા પણ હતા. ભૂકંપે કચ્છને ‘તહશ નહશ કર્યું હતું. આજે કચ્છના લોકોની ખમીરી અને પરિશ્રમના પગલે કચ્છ વિકાસનો પર્યાય બન્યું છે. વિનાશક ભૂકંપ પણ લોકોના મનોબળને તોડી ના શક્યો અને આજે કચ્છ આખા વિશ્વના નકશામાં અલગ ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યું છે.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, અહિંનો સકારાત્મક પ્રભાવ રાષ્ટ્રીય સુરક્ષા જાળવણીમાં પણ પ્રતિબિંબિત થાય છે. કચ્છના સફેદ રણ – રણોત્સવ વિશ્વ આખાને આકર્ષિત કરે છે. પ્રતિવર્ષ 4 થી 5 લાખ પ્રવાસીઓ અહીં મુલાકાતે આવે છે. તેને પગલે સ્થાનિક કલા-કૌશલ્યને પણ બળ બન્યું છે. સ્થાનિક સંશોધનો અને સામર્થ્યને બળવંતર બનાવી કેવી રીતે આત્મનિર્ભર બની શકાય તે કચ્છે લોકોને શીખવ્યું છે. ભૂકંપ પછી થયેલા વિનાશમાથી કચ્છ પૂન:વિકસિત બન્યુ તે સમયે દેશ – વિશ્વના અધ્યયનકારો – વિષ્લેષકો માટે સંશોધનનો વિષય છે એમ તેમણે ઉમેર્યું હતું.

આજની તારીખના સુભગ સંયોગનો ઉલ્લેખ કરી PM મોદીએ ઉમેર્યું કે, આજથી 118 વર્ષ પહેલાના આજના દિવસે અમદાવાદમાં એક ઔદ્યોગિક પ્રદર્શનનું ઉદ્યાટન થ્યું તેમાં ‘ભાનું તાપ યંત્ર’એ મુખ્ય આકર્ષણ હતું અને આજે 118 વર્ષ પછી કચ્છમાં ‘રીન્યુએબલ એનર્જી પાર્ક’નો શિલાન્યાસ થઇ રહ્યો છે. તેમાં 30,000 મેગાવોટ ઉર્જા ઉત્પાદિત થશે. રૂ. 1.50 લાખ કરોડના રોકાણથી બનનાર આ પાર્ક વિકાસની નવી દિશાઓ કંડારશે એટલુ જ નહી પરંતુ રાષ્ટ્રની સલામતીની સાથે પર્યાવરણની સુરક્ષા પણ કરશે. પ્રતિવર્ષ 5 કરોડ ટન કાર્બન ડાયોકસાઇડને પેદા થતો અટકાવશે એટલું જ નહી 1 લાખથી વધુ લોકોને રોજગારી પણ મળશે. પર્યાવરણની દ્રષ્ટ્રીએ આ પ્લાન્ટથી થતો ફાયદો 9 કરોડ વૃક્ષો વાવવાથી થતા ફાયદા જેટલો મળશે એમ તેમણે ઉમેર્યું હતું.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિશ્વમાં ચોથા સ્થાને છે. છેલ્લા 6 વર્ષથી ઉર્જા ક્ષમતા 16 ગણી વધી છે. કલાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં ભારત આખા વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. નરેન્દ્ર મોદીએ વધુમાં ઉમેર્યું કે, ‘ગુજરાત’એ 24 કલાક વીજળી આપનાર અગ્રીમ રાજ્ય છે. રાજ્યએ ‘સૂર્ય કિસાન યોજના’ અમલી બનાવી છે અને દેશનું પ્રથમ રાજ્ય છે જેણે સૌર ઉર્જા નીતિ બનાવી છે. 21મી સદીના ભારત માટે એનર્જી સીક્યુરીટીની જેમ વોટર સીક્યુરીટી પણ એટલી જ મહ્ત્વની છે. જળસુરક્ષા વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતે આખા દેશને દિશા નિર્દેશ કરી શક્ય સમર્થ હોવાનો ઉલ્લેખ કરી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જળ સુરક્ષા – વ્યવસ્થાપનની સરાહના કરતા જણાવ્યું કે, ગુજરાતે જળસંચય ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કર્યું છે. નર્મદાના નીર છેક કચ્છ સુધી પહોંચાડ્યા તે સ્વયં એક સિધ્ધી છે. નહેરના વિસ્તૃતિકરણ સાથે નર્મદાના નીરનું વિતરણ 3 કરોડ ઘરો સુધી પહોચાડ્યું. રાજ્યમાં 80 ટકા ઘરોમાં ‘નળ સે જલ’ યોજનાથી આવરી લેવાયા છે અને આગામી સમયમાં આ સિધ્ધી 100 ટકા સુધી લઇ જવાની દિશામાં ગુજરાતનું અભિયાન અનુકરણીય છે એમ તેમણે ઉમેર્યું હતું. આજે શિલાન્યાસ થયેલા ડીસેલીનેશન પ્લાન્ટથી પણ 10 કરોડ લિટર પાણી પીવા લાયક બનશે. ઉપરાંત ઘોઘા-દહેજ-દ્વારકા-ગીર સોમનાથમાં પણ આવા પ્લાન્ટ બનવાના છે તેને પણ વડાપ્રધાનએ બીરદવ્યા હતા.

રાજ્યમાં કૃષિ ક્ષેત્ર મજબૂત બન્યો હોવાનો ઉલ્લેખ કરી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અહીના ખેત ઉત્પાદનોની વિશ્વમાં નિકાસ થાય છે. ખેતી અને ડેરી એમ બન્ને ક્ષેત્રોનો ઝડપથી વિકાસ થયો છે. સાથે સાથે દુધ આધારિત ઉત્પાદનો – ક્ષેત્રોનો વિકાસ થયો છે. આજે સરહદ ડેરીના ઓટોમેટીક મીલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ બનવાથી આગામી સમયમાં સ્થાનિક દુધ પશુપાલકો ઉત્પાદિત દુધના પ્રોસેસીંગ સ્થાનિક કક્ષાએથી જ કરી શકશે તેનો સીધો લાભ સ્થાનિક પશુપાલકોને વેલ્યુએડીશનનો પણ મળશે.