લીમખેડાના ચૈડીયા ગામના યુવાને તેના ગામની સગીરાનું પત્ની તરીકે રાખવા અપહરણ કરતાં ફરિયાદ

દાહોદ,દાહોદ જિલ્લાના લીમખેડાના ચૈડીયા ગામના નિશાળ ફળિયાના યુવાને તેનાજ ગામના નીચવાસ ફળિયાની વહેલી સવારે લઘુશંકા માટે ઘરમાંથી બહાર નીકળેલ 16 વર્ષીય સગીરાને પત્ની તરીકે રાખવા બળજબરીપૂર્વક પકડી અપહરણ કરી મોરબી ખાતે લઈ જઈ સગીરાની મરજી વિરૂધ્ધ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાના મતલબની પોલીસ ફરિયાદ નોંધાયાનું જાણવા મળ્યું છે.

લીમખેડાના ચૈડીયા ગામના નિશાળ ફળિયામાં રહેતા કલ્પેશભાઈ પંકેશભાઈ પલાસે ગત તા. 24-3-2023ના રોજ વહેલી સવારમાં આશરે ચારેક વાગ્યાના સુમારે તેના ગામના નીચવાસ ફળિયાની લઘુશંકા માટે પોતાના ઘરની બહાર નીકળી રોડ પર ગયેલ 16 વર્ષીય સગીરાની પાસે આવી તેને જબરજસ્તીથી પકડી લઈ જાનથી મારી નાંખવાની ધાકધમકી આપી બળજબરીથી પ્રેમના પાઠ ભણાવી, લલચાવી, પટાવી, પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી મોબરી ગામે લઈ ગયો હતો અને ત્યાં લઈ જઈ સગીરાની મરજી વિરૂધ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.

આ સંબંધે અપહૃત સગીરાના પિતાએ ઉપરોક્ત કેફીયત ભરી ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે આ સંદર્ભે ચૈડીયા ગામના નિશાળ ફળિયાના અપહરણકર્તા કલ્પેશભાઈ પંકેશભાઈ પલાસ વિરૂધ્ધ ઈપીકો કલમ 363, 366, 376(2)એન, 506(2) તથા પોક્સો એક્ટ કલમ 4,6,8 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.