રેપિડ એક્શન ફોર્સની બટાલિયન દ્વારા મહીસાગર જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારની પરિચય કવાયત યોજાઇ

મહિસાગર,રેપિડ એક્શન ફોર્સની 100 બટાલિયન અમદાવાદની એક પ્લાટુન સંવેદનશીલ વિસ્તારના પરિચય પ્રેક્ટિસ કવાયત અંતર્ગત કમાન્ડન્ટ ગોવિંદપ્રસાદ ઉનિયાલના આદેશાનુસાર ઉપકમાન્ડન્ટ મોહનસિંગના નેતૃત્વમાં મહીસાગર જિલ્લા કલેકટર ભાવિન પંડયા,પોલીસ અધિક્ષક આર પી બારોટ સાથે સંકલન સાધી જિલ્લાની મુલાકાતે આવેલ છે.

ત્યારે આજે રેપિડ એક્શન ફોર્સ અને પોલીસ ટીમ દ્વારા જિલ્લા મથક લુણાવાડાના લુણેશ્ર્વર ચોકી, દરકોલી દરવાજા, ફુવારાચોક,માંડવી બજાર, ગોળબજાર, હુસેની ચોક, આસ્તાના બજાર વિસ્તારોમાં ફલેગ માર્ચ યોજી હતી. આર એ એફના જવાનોની શિસ્તબધ્ધ કવાયતે સ્થાનિક પ્રજાજનોમાં આકર્ષણની સાથે કુતૂહલ જમાવ્યું હતું. આ ફ્લેગમાર્ચમાં આર એ એફની સાથે ડીવાયએસપી જે જી ચાવડા, પી આઈ ધેનુ ઠાકર સહિત પોલીસ જવાનો જોડાયા હતા.

આ પ્લાટૂનની કવાયતનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાના સંવેદનશીલ,અતિ સંવેદનશીલ વિસ્તારો વિશે માહિતી મેળવવાની સાથે સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે સંકલન કરવાનો છે તેમજ વરિષ્ઠ નાગરિકો, સામાજિક કાર્યકરો અને મહાનુભાવો સાથે મળી વાર્તાલાપ કરી જીલ્લા અને ભૂતકાળમાં થયેલા રમખાણો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવવા માટેનો છે.

પરિચય કવાયત દરમિયાન છેલ્લાં કેટલાંક વર્ષોમાં જિલ્લાની ભૌગોલિક સ્થિતિ,કાયદો અને વ્યવસ્થા વિશેની મહત્વપૂર્ણ માહિતી એકઠી કરવી, કટોકટીની સ્થિતિમાં કોમી રમખાણો દરમિયાન પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં મદદરૂપ મુખ્ય સંસાધનો શોધવા અને તેની સાથે સ્થાનિક સત્તાધિકારીએ સંકલન કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા જારી કરાયેલી અનેક પ્રવૃતિઓમાં સહભાગી બની ફરજ બજાવવા માટે આ કવાયત માટે ઉપસ્થિત પ્લાટુન દ્વારા વિસ્તારોમાં તંદુરસ્ત વાતાવરણ જાળવવા માટે રમતગમત અને સામાન્ય લોકોમાં વિશ્ર્વાસ ઉભો કરવા સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત જિલ્લાઓમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવે છે.પરિચય કવાયત હાથ ધરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોમાં પોલીસ દળની છબીને મજબૂત કરવાનો છે અને અસામાજિક તત્વોને સખત પડકાર આપીને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સ્થાનિક પોલીસને મદદ કરવાનો છે.