સ્થાનિક લોકોએ કર્ણાટકમાં અમૂલ દૂધના વેચાણ વિરૂદ્ધ મોરચો ખોલવો જોઈએ : પૂર્વ મુખ્યમંત્રી

  • નંદિની પ્રોડક્ટ્સનો ઉપયોગ પ્રાથમિક્તા પર કરવો જોઈએ : એચડી કુમારસ્વામી

બેંગ્લુરુ,કર્ણાટકમાં અમૂલની એન્ટ્રીને લઈને હવે પુર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી મેદાને પડ્યા છે. તેમણે કહ્યું કે, સ્થાનિક લોકોએ કર્ણાટકમાં અમૂલ દૂધના વેચાણ વિરૂદ્ધ મોરચો ખોલવો જોઈએ. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં અમૂલ દૂધ વેચવા સામે કન્નડીગાઓએ વિદ્રોહ કરવો જોઈએ. તેમણે કેન્દ્ર પર પાછલા બારણેથી એન્ટ્રી આપવાનો પ્રયાસ ગણાવ્યો અને કહ્યું કે, નંદિની પ્રોડક્ટ્સનો ઉપયોગ પ્રાથમિક્તા પર કરવો જોઈએ. અમૂલ મુદ્દે તમામ વિરોધ પક્ષો એક સુરમાં બોલી રહ્યા છે ત્યારે કુમારસ્વામીએ કહ્યું કે, અમૂલને કેન્દ્ર સરકારના સમર્થનથી પાછલા બારણે કર્ણાટકમાં ધકેલવામાં આવી રહ્યું છે. અમૂલ કર્ણાટક મિલ્ક ફેડરેશન અને ખેડૂતોનું ગળું દબાવી રહ્યું છે. કન્નડ લોકોએ અમૂલ સામે વિદ્રોહ કરવો જોઈએ.

કર્ણાટકમાં અમૂલના વેચાણને કન્નડ અસ્મિતા સાથે જોડતા કુમારસ્વામીએ કહ્યું કે, કન્નડિગો તરીકે આપણે અમૂલનો વિરોધ કરવો જોઈએ અને કર્ણાટકના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે એક થવું જોઈએ. નંદિનીના ગ્રાહકોએ ખેડૂતોની આજીવિકાનું રક્ષણ કરવું જોઈએ.તેમણે કહ્યું કે, કર્ણાટક સરકારે અમૂલને બેંગ્લોરના કોરમંગલામાં સસ્તા ભાવે એક મોટો પ્લોટ ફાળવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અહીંની સરકારે આટલી ઉદારતા દાખવી છે ત્યારે અમૂલ સ્થાનિક દૂધ ઉત્પાદકો અને કેએમએફ સામે કાવતરું કરી રહી છે.

કુમારસ્વામીએ આગળ કહ્યું કે, એ સ્પષ્ટ છે કે ભાજપની ડબલ એન્જિન સરકાર દૂધ ઉત્પાદકોને રસ્તા પર ધકેલવાનો પ્રયાસ કરી રહી છે. તેમને ગુજરાતની જનતાના ગુલામ બનાવવાની યોજના ઘડી રહી છે. તેમણે કહ્યું કે, કર્ણાટક ભાજપ સરકાર અને કેએમએફનું શંકાસ્પદ મૌન શંકા પેદા કરે છે. અમૂલ નંદિનીને સ્પર્ધા આપવાનું વિચારી રહી છે. તેની જરૂર નથી. નંદિની બ્રાન્ડ નબળી પડશે. કુમારસ્વામીના મતે બે સહકારી સંસ્થાઓ વચ્ચેની અસ્વસ્થ સ્પર્ધા બિનજરૂરી છે.

કુમારસ્વામીએ કહ્યું કે, અમૂલ મેનેજમેન્ટ કન્નડીગો અને દ્ભસ્હ્લને ખતમ કરવા માટે તલપાપડ છે. અમૂલ એક માત્ર સ્પર્ધક નંદિનીને તેના પોતાના ક્ષેત્રમાં અવરોધિત કરવા માંગે છે. એક રાષ્ટ્ર, એક અમૂલ, એક દૂધ, એક ગુજરાત કથિત રીતે કેન્દ્ર સરકારનું સત્તાવાર વલણ હોવાનું જણાય છે.