કાશ્મીરી પંડિતો માટે આવાસ બની રહ્યા છે, અત્યારે હોટેલોમાં વ્યવસ્થા કરવામાં આવી,કાશ્મીરમાં ઓફિસ- શાળાઓ ખુલ્યાં

શ્રીનગર,જમ્મૂ-કાશ્મીરમાં લાંબા સમય સુધી દેખાવો બાદ હવે તમામ ૪૫૦૦ કાશ્મીરી પંડિત કર્મચારીઓ કામ પર પરત ફર્યા છે. સાથે જ ખીણમાં જુદી જુદી ઓફિસો પણ સામાન્ય રીતે ફરી ખુલી જતા રાહત થઇ છે. શાળાઓ પણ ફરી ખુલી ચુકી છે. કામ પર પરત ફરતાની સાથે જ થોડાક દિવસમાં જ કર્મચારીઓનો રોકવામાં આવેલો છ મહિનાનો પગાર જારી કરી દેવાયો છે. હાલમાં શ્રીનગરનાં જે કર્મચારીઓની પાસે આવાસ નથી તે કર્મચારીઓને સુરક્ષિત હોટેલોમાં રાખવામાં આવ્યા છે. આ ઘર સરકારે ગ્રાન્ટ પર ઉપલબ્ધ કરાવ્યા છે. આ આવાસનાં ભાડાનો એક હિસ્સો કર્મચારીઓ આપશે.

બારામૂલ્લાનાં રહેવાસી સરકારી કર્મચારી અવતાર કૃષ્ણનું કહેવુ છે કે, વહીવટીતંત્ર હવે વધારે સહયોગ સાથે સુરક્ષાની સ્થિતિને સુધારવામાં વ્યસ્ત છે. મોટા ભાગનાં વિવાદોનો ઉકેલ શોધી કાઢવામાં આવ્યો છે. જે વિવાદો હજુ છે તે વિવાદોને ઉકેલવાની પ્રક્રિયા ચાલી રહી છે. ટુંકમાં આ વિવાદોને પણ ઉકેલી લેવાશે.

અવતારે કહ્યું છે કે, કેટલીક જગ્યાએ કર્મચારીઓ માટે આવાસ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે. બારામૂલ્લામાં ૧૮૦ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. અવતાર એવા લોકો પૈકી એક છે, જેમની પાસે સત્તાવાર આવાસ નથી. અવતાર ભાડા પર રહે છે. તેમનું કહેવુ છે કે, અહીંની મુસ્લિમ વસતીની સાથે કોઇ પણ પ્રકારની સમસ્યા નથી. તેઓ પોતે એક મુસ્લિમ પરિવારનાં ઘરમાં ભાડા પર રહે છે.

ટાર્ગેટ કિલિંગનાં કારણે અહીંની મુસ્લિમ વસતીમાં ભય ફેલાયો હતો. હવે સ્થિતિ સારી છે. જો કે, કેટલીક વખત હજુ મુસ્લિમ મકાન માલિકોને ભય લાગે છે. ગયા વર્ષે મેમાં બડગામમાં તાલુકાની અંદર ઘુસીને ક્લાર્ક રાહુલની ગોળી મારીને હત્યા કરાઇ હતી. ત્યારબાદ ટિચર રજની બાલાની પણ હત્યા કરાઇ હતી. આ ઘટનાઓનાં કારણે ભયમાં મુકાયેલા ૪૫૦૦ કાશ્મીરી પંડિત કર્મચારીઓએ કાશ્મીરની બહાર બદલી કરવાની માંગણી કરીને હડતાલ પર ઉતરી ગયા હતા.

કાશ્મીરમાં સાત જુદી જુદી જગ્યાએ કાશ્મીરી પંડિત કર્મચારીઓ માટે લેટ બની રહ્યા છે. સરકારનો દાવો છે કે, દરેક કર્મચારીને ઘર અપાશે અને સુરક્ષાની ખાતરી પણ કરાશે. હાલ સરકાર વર્ષનાં અંત સુધી તમામ કર્મચારીઓ માટે ફ્લેટ નિર્માણનું કામ પૂર્ણ કરવા ઇચ્છે છે. વડાપ્રધાન પેકેજ હેઠળ કુલ ૬૦૦૦ પ્રવાસી કર્મચારીઓની પસંદગી કરાઇ છે, જે પૈકી ૪૫૦૦ કાશ્મીરી પંડિત છે. જેમાં સિખ, મુસ્લિમ પણ છે, તેમની સંખ્યા ૧૫૦૦ સુધીની છે. આ એ પ્રવાસી છે, જે ૯૦નાં દાયકામાં હિંસા બાદ કાશ્મીર છોડીને જતા રહ્યા હતા.