દાહોદમાં એક જ રાતમાં ૮ મકાનના તાળા તૂટયા

દાહોદ,રાત્રિ દરમ્યાન ચોરીના બનાવો અનેક જગ્યાએ બનતા રહે છે. ત્યારે દાહોદમાં પણ ચોરીની મોટી ઘટના સામે આવી છે. રાત્રિ દરમ્યાન તસ્કરોએ ૮ જેટલા મકાનના તાળાં તોડયા હોવાની ઘટના સામે આવી છે. દાહોદમાં બિલ્ડિંગમાં બનેલી આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ ફેલાયો.

આ તસ્કરોએ રાત્રિ દરમ્યાન અલગ અલગ બિલ્ડિંગોને નિશાન બનાવી હતી. દાહોદના અક્ષર ૧ અને ૨માં પાંચ ફ્લેટના  તાળા તૂટ્યા હોવાનું સામે આવ્યું છે. રાધે રેસીડેન્સીના બે ફલેટ અને દ્રષ્ટિ એપાર્ટમેન્ટના એક ફલેટમાં તસ્કરોએ ચોરી કરી હતી. આ રીતે ચોર ટોળકીએ એક બાદ એક ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીની ઘટના બાદ સામે આવ્યું હતું કે, એક ફલેટમાંથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી હતી. રાત્રિ દરમ્યાન ચોરી કરતાં ચોરોને હવે જાણે સીસીટીવીનો પણ ડર નહિ હોય તેમ બે ફિકર ચોરીને અંજામ આપી રહ્યા છે. દાહોદમાં થયેલ ચોરીની ઘટનામાં ચોરી કરતા તસ્કરો  CCTVમાં કેદ થયા હતા. શહેરમાં ચોરીની વધતી ઘટનાને લઇને પાલિકા પ્રમુખ રીના પંચાલે ઈન્ચાર્જ SPને લેખિત રજૂઆત કરી તસ્કરો પર લગામ ક્સવા માગ કરી છે.

દાહોદમાં બનેલી આ ઘટનાને લઈ જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. એક સાથે ૮ ઘરોના ચોરીના બનાવને અંજામ આપનાર આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે. હાલ તો સીસીટીવીના આધારે આ ચોર ટોળકીને પકડી પાડવા પોલસી કામે લાગી છે. ચોર ટોળકી પકડાયા બાદ વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી પણ શક્યતાઓ છે. આ ચોર ટોળકીની ચોરી કરવાની રીત પરથી જણાઈ આવે છે કે તેણે અગાઉ પણ ચોરી કરી હોવી જોઈએ.