મહારાષ્ટ્ર સરકાર હવે રાજ્યના પ્રાચીન મંદિરોના સંરક્ષણ અને રખરખાવ માટે વિશેષ ફંડની વ્યવસ્થા કરશે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે વિધાનસભામાં તેની ઘોષણા કરી છે. મુખ્યમંત્રીએ આ ઘોષણા કરવાની સાથે જ વિપક્ષ પર નિશાન સાધ્યું અને કહ્યું કે ” આનાથી તમને (વિપક્ષને) સમજાઈ જશે કે અમે હિન્દુત્વને છોડ્યું નથી.” મુખ્યમંત્રીએ મંદિરોના સંરક્ષણ માટે ફંડની ઘોષણા કરતા કહ્યું કે આનો ઉદ્દેશ્ય પ્રાચીન સંસ્કૃતી અને વિરાસતને પ્રોત્સાહન આપવાનો છે.
તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટને ચરણબદ્ધ રીતે પુરો કરવામાં આવશે. મહત્વનું છે કે સંરક્ષણ માટે મંદિરોની ઓળખ કરવામાં સીએમએ વિપક્ષની પણ મદદ માંગી છે. સામે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડ્ણવિસે પણ કહ્યું હતું કે સ્થિતી એવી છે કે હવે શિવસેનાએ મંદિરોની જાળવણીની સ્કીમની જાહેરાત કરીને તેમનું હિન્દુત્વ સાબિત કરવું પડ્યું છે પણ, મોટા ભાગના મંદિરો એએસઆઈ એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા જાળવણી કરવામાં આવી રહ્યાં છે. આપણે જોવાનું એ છે કે તેઓ વધારાનું શું કરે છે.