ઇસ્લામાબાદ,પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે. તેમણે દેશના નામે એક સંબોધનમાં આ વાત પર ભાર મુક્યો કે રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે પાકિસ્તાન પણ રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે. ભારતની વિદેશ નીતિ અંગે ખાને કહ્યું- ભારતની જેમ અમે પણ રશિયા પાસેથી તેલ ખરીદવા માગતા હતા પરંતુ અમે તે ખરીદી શક્યા નહીં. અફસોસ…અમારી સરકાર પડી ગઈ.
અગાઉ મે ૨૦૨૨માં, ખાને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રશિયા પાસેથી તેલ ખરીદવાના નિર્ણયની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત ક્વોડનો મેમ્બર છે. તેમના પર અમેરિકી દબાણ છે. તેમ છતાંય તેઓ રશિયા પાસેથી સસ્તુ તેલ ખરીદી રહ્યો છે અને તેના દ્વારા પોતાના નાગરિકોને રાહત આપી રહ્યો છે. મારી સરકાર પણ ભારતની જેમ સ્વતંત્ર ફોરેન પોલિસી ઇચ્છતી હતી અને તેના પર કામ કરી રહી હતી.
ઈમરાન ખાન ૨૨ થી ૨૪ ફેબ્રુઆરી સુધી રશિયાના પ્રવાસે હતા. ૨૪ ફેબ્રુઆરીના રોજ, રશિયન સૈનિકોએ યુક્રેન પર આક્રમણ કર્યું. ૨૩ વર્ષમાં આવું પહેલીવાર બન્યું હતું જ્યારે પાકિસ્તાનના કોઈ વડાપ્રધાન રશિયાની મુલાકાતે ગયા હોય. આ પહેલા માર્ચ ૧૯૯૯માં તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ રશિયા ગયા હતા.
પાકિસ્તાની મીડિયા અનુસાર, પેટ્રોલિયમ રાજ્ય મંત્રી મુસાદિક મલિકે દાવો કર્યો છે કે રશિયાથી સસ્તા તેલનો પહેલું કન્સાઈનમેન્ટ એપ્રિલ ૨૦૨૩ના અંત સુધીમાં પાકિસ્તાન પહોંચશે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું – પાકિસ્તાન અને રશિયા વચ્ચે ડીલ થઈ છે. આ અંતર્ગત સસ્તા તેલનો પહેલું કન્સાઈનમેન્ટ ટૂંક સમયમાં ઈસ્લામાબાદ પહોંચશે.
સપ્ટેમ્બર ૨૦૨૨માં ઈમરાન ખાને ભારતના પીએમ મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે – નરેન્દ્ર મોદીની દેશની બહાર કોઈ સંપત્તિ નથી, પરંતુ અમારા નેતાઓની અન્ય દેશોમાં કરોડોની સંપત્તિ છે. પોતાના જ દેશના વડાપ્રધાન પર ટિપ્પણી કરતાં ઈમરાને કહ્યું કે આપણા પીએમની વિદેશમાં અબજો રૂપિયાની પ્રોપર્ટી અને કરોડોનો બિઝનેસ છે.