ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં વેતન મામલે કામદારોનું આંદોલન, ઘર્ષણના દ્રશ્યો સર્જાયા

ભરૂચ,અંકલેશ્ર્વર જીઆઇડીસીમાં આવેલી જીવનરક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં વેતનના વિવાદને લઈ કામદાર કંપનીના ગેટની બહાર આંદોલન ઉપર ઉતરી ગયા હતા. કંપનીના કામદારો ઈન્સેન્ટિવની માંગણીને લઈ આંદોનના માર્ગે વળ્યાં હતા. મોટી સંખ્યામાં કામદારો કંપનીના ગેટની બહાર એકત્રિત થયા હતા અને હલ્લો મચાવ્યો હતો. વાત વણસતી નજરે પડતા અંકલેશ્ર્વર જીઆઇડીસી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.કામદારોના આંદોલન દરમ્યાન ઘર્ષણના દ્રશ્યો પણ નજરે પડ્યા હતા. પોલીસની દરમિયાનગીરીથી આખરે સમજાવટ બાદ કામદારોને ફરી કામ ઉપર ચઢવા મનાવવામાં આવ્યા હતા. ઘટના બાબતે કંપની સત્તધીશો તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયું નથી.

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે ૭ વાગ્યાના અરસામાં જીવરક્ષક દવાનું ઉત્પાદન કરતી ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ કંપનીના અંકલેશ્ર્વર યુનિટના કામદારોએ કંપનીમાં કામ ઉપર ચઢવાનો ઇન્કાર કરી દીધો હતો. પ્લાન્ટમાં કામ કરવાના સ્થાને કામદાર કંપનીના ગેટ બહાર એકત્રિત થયા હતા. કામદારોએ હંગામો મચાવી આંદોલન શરૂ કર્યું હતું. કંપનીમાં કામ કરતા કામદારોની ઈન્સેન્ટિવની રકમને લઈ કેટલીક માંગણીઓ છે જે સંતોષાતી ન હોવાનો રહ્યા હતા. વેતનના મામલે શરૂ થયેલુ આંદોલન એક તબક્કે ઉગ્ર બનવા લાગ્યું હતું જયારે કંપનીના ગેટ બહાર ઘર્ષણના દ્રશ્યો નજરે પડયા હતા.

વાતની ગંભીરતા પારખી અંકલેશ્ર્વર જીઆઇડીસી પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. રોષે ભરાયેલા કામદારોને સમજાવવા પ્રયત્ન હાથ ધરાયા હતા. આખરે પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો. આખરે ઘણા સમયથી મથામણ બાદ કંપનીના કામદારોએ ફરી કામ શરૂ કર્યું હતું.