- ઉત્તરપ્રદેશની પોલીસ પહોંચી અમદાવાદ
- અતીક અહેમદને ફરી લઈ જવાશે ઉત્તરપ્રદેશ
- ઉત્તરપ્રદેશ પોલીસ પહોંચી સાબરમતી જેલ
- ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસની કાર્યવાહી
ગેંગસ્ટરમાંથી માફિયા અને પછી રાજનેતા બનેલા અતીક અહેમદને મંગળવારે (28 માર્ચ) ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અપહરણના ગુનામાં દોષિત જાહેર થયા બાદ અતીકને સાબરમતી જેલમાં પરત લાવવામાં આવ્યો છે. તેને સાબરમતી જેલની 200 ખોલીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ત્યારે આજે ઉમેશ પાલ હત્યા કેસમાં ફરી અતીકને લેવા યુપી પોલીસ અમદાવાદ આવી છે.
UP પોલીસના અમદાવાદમાં ધામા
ઉમેશપાલ હત્યા કેસમાં પ્રયાગરાજ પોલીસ સાબરમતી જેલમાંથી અતીક અહેમદની કસ્ટડી મેળવશે. ઉમેશપાલ હત્યા કેસમાં અતીક અહેમદની સંડોવણી ખુલતા પ્રયાગરાજ પોલીસ કસ્ટડી મેળવશે. જે બાદ અતીક અહેમદને સાબરમતી જેલથી ફરી ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવશે. બાય રોડ યુપી પોલીસ તેને લઈ જશે. હાલ અતીકની જેલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
અતીક અહેમદને આજીવન કેદ
મહત્વનું છે કે, 17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં થોડા દિવસ અગાઉ ઉત્તરપ્રદેશની પ્રયાગરાજ પોલીસ અતીક અહેમદને સાબરમતી જેલથી પ્રયાગરાજ લઈ ગઈ હતી. પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે બાહુબલી અતીક અહેમદ સહિત 3 આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ અપહરણ કેસમાં કોર્ટે અતીક ઉપરાંત હનીફ, દિનેશ પાસીને પણ દોષિત ઠેરવ્યા હતા. જ્યારે અતીકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા. અતીકને સજા મળતા ફરીથી સાબરમતી જેલમાં જ લાવવામાં આવ્યો હતો.
ધારાસભ્ય રાજુ પાલની ગોળી મારીને કરી હતી હત્યા
25 જાન્યુઆરી 2005એ બસપા ધારાસભ્ય રાજુ પાલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં અતીક અહમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ સામે આવ્યા હતા. જ્યારે ચાર અજાણ્યા શખ્સો આરોપી હતા. આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા. ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006એ અપહરણ થયું હતું. તેનો આરોપ અતીક અહમદ અને તેના સાથીઓ પર લગાવ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે અતીકે તેની સાથે મારઝુડની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સાક્ષી ઉમેશ પાલની પણ થઈ હતી હત્યા
પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીએ રાજૂપાલ હત્યાકાંડમાં સાક્ષી ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલ જ્યારે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગલીની બહાર કારથી નિકળતી વખતે તેમના પર શૂટરોએ ફાયરિંગ કરી હતી. આ સમયે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ હુમલામાં ઉમેશ પાલ અને તેના બે ગનર્સની મોત થઈ ગઈ હતી. ઉમેશ પાલની પત્નીએ આ મામલામાં અતીક, તેના ભાઈ અશરફ સહિત 9 લોકો પર કેસ નોંધ્યો હતો.