- ભાઈજાનને ફરી મળી મારી નાખવાની ધમકી.
- ધમકી આપનાર વ્યક્તિનું નામ રૉકી ભાઈ.
- અગાઉ પણ મળી હતી ધમકી
બોલિવુડના ભાઈજાનને ફરી એકવાર મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સોમવારે રાત્રે એક વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલને ફોન કરીને સલમાન ખાનને 30 તારીખે મારી નાખવાની ધમકી આપી છે. ધમકી આપનાર વ્યક્તિએ રૉકી ભાઈ તરીકેની ઓળખ આપી છે. ધમકી મળ્યા પછી મુંબઈ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ધમકી આપનાર વ્યક્તિ રૉકી ભાઈએ પોલીસને જણાવ્યું કે, તે જોધપુરમાં રહે છે અને ગૌરક્ષક છે. સોમવારે રાત્રે 9 વાગ્યે આ ધમકીભર્યો ફોન આવ્યો હતો.
આરોપીની ઓળખ
મુંબઈ પોલીસે એક મીડિયા હાઉસને જણાવ્યું કે, આરોપી યુવક કોણ છે તે જાણ થઈ ગઈ છે. ધમકી આપનાર વ્યક્તિ રાજસ્થાનનો રહેવાસી છે અને તે સગીર હોઈ શકે છે. તેનું નામ, એડ્રેસ અને નંબર મળી ગયો છે. તેના આધાર પર પોલીસ આશંકા વ્યક્ત કરી રહી છે કે, આરોપી સગીર હોઈ શકે છે. આરોપીને પોલીસ કસ્ટડીમાં લેવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારબાદ FIR કરીને પૂછપરછ કરવામાં આવશે.
અગાઉ પણ મળી હતી ધમકી
સલમાન ખાનને ગયા મહિને બે વાર ધમકી આપવામાં આવી હતી. તેમને 18 અને 23 માર્ચના રોજ ઈમેઈલ કરીને ધમકી આપવામાં આવી હતી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ ગયા મહિને એક ઈન્ટરવ્યૂમાં સલમાન ખાનને હરણ વિવાદ મામલે માફી માંગવાનું કહ્યું હતું. સલમાન ખાન માફી નહીં માંગે તો તે તેનો અહંકાર તોડીને રહેશે.
ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી
સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. આ મામલે રામ સિહાગ નામના વ્યક્તિની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે તાજેતરમાં દાવો કર્યો હતો કે, સલમાન ખાનને 18 માર્ચના રોજ ધમકી આપવામાં આવી હતી અને તેની પાછળ ગેંગસ્ટર ગોલ્ડી બરાડ જવાબદાર છે. ગોલ્ડી બરાડ પર સિકંજો કસવા માટે મુંબઈ પોલીસે ઈન્ટરપોલની મદદ લીધી હતી અને યૂકે સરકારને રિક્વેસ્ટ લેટર પણ મોકલ્યો હતો.
સલમાન ખાન માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
સલમાન ખાન આગામી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. તેમની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. સલમાન છેલ્લા ઘણા સમયથી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે બહાર જઈ રહ્યા છે. અગાઉ ફિલ્મફેર પ્રેસ કોન્ફરન્સમાં પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે જોવા મળ્યા હતા.