કોલેજમાં 6 સેમેસ્ટરના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

સંતરામપુર,તા. 10/04/2023 ને સોમવારે અત્રેની કોલેજમાં આચાર્ય ડો. એમ.કે.મહેતાના અધ્યક્ષસ્થાને કોલેજમાં અભ્યાસ કરતા સેમેસ્ટર-6 ના વિદ્યાર્થીઓનો ‘વિદાય અને ઇનામ વિતરણ સમારોહ’ યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભગિની સંસ્થા યુ.એચ.ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ, મુનપુરના આચાર્ય શશીકાંત પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના આરંભમાં હિન્દી વિભાગના અધ્યક્ષ ડો. સુશીલા વ્યાસે ભાવસભર પ્રાર્થના રજૂ કરીને સૌના મંગલની કામના કરી. ત્યારબાદ અંગ્રેજી વિભાગના અધ્યાપક ડો. પ્રકાશ વેકરીયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપતા પ્રેરણાત્મક વાતો કરી તો વળી ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. હર્ષદા શાહે વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન શીખેલી સારી બાબતોને વ્યવહારમાં લાવીને સમાજ ઉપયોગી બનવા માટે આહવાન કર્યું. મુખ્ય અતિથિ એવા શશીકાંત પ્રજાપતિ વિદ્યાર્થીઓને પોતાના રસ-રૂચિ અનુસાર જે તે ક્ષેત્રમાં આગળ વધવા માટે હળવી શૈલીમાં અસરકારક વાતો કરી. ત્યારબાદ સેમેસ્ટર 6 ના વિદ્યાર્થીઓમાંથી અશ્ર્વિન ડામોર, બારિયા હીના, વિનોદ પરમારે તેમજ સેમ-1 ના વિધાર્થી ચતુર ડામોરે પોતાને કોલેજકાળ દરમિયાન જે કોઈ જીવનના પાઠ શીખવા મળ્યા અને એના માટેની પોતાની લાગણીને સૌની સમક્ષ પ્રગટ કરી.

ત્યારબાદ અત્રેની કોલેજના આચાર્ય ડો. એમ. કે. મહેતાએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આયોજનપૂર્વકના સખત પરિશ્રમનો કોઈ જ વિકલ્પ ન હોવાનું જણાવી સૌને ઉજવળ ભાવિની શુભકામનાઓ આપી. ત્યારબાદ સમગ્ર વર્ષ દરમિયાન કોલેજમાં થયેલી વિવિધ પ્રવૃત્તિઓ-સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે રહેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ તબક્કે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં માઇમ અને સ્કીટમાં ઝળકેલા વિદ્યાર્થીઓને પણ ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતમાં હિન્દી વિભાગના અધ્યક્ષ ડો. સુશીલા વ્યાસે વિદ્યાર્થીઓને પોતાની આગવી શૈલીમાં આશીર્વાદ આપીને આભાર વિધિ સંપન્ન કરી. અંતમાં અલ્પાહાર સાથે કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો. આ સંપૂર્ણ કાર્યક્રમનું સુચારૂ અને સુંદર સંચાલન સંસ્કૃત વિભાગના અધ્યાપક ડો. હિતેશ કુબાવતે કર્યું.