લુણાવાડા,મોબાઈલ દ્વારા ધરે બેઠા ઓનલાઈન પાર્ટ ટાઈમ નોકરીની લાલચ આપી પૈસા પડાવી છેતરપિંડી કરવાના કેસમાં છત્તીસગઢ રાજયની પોલીસે મહિસાગર જિલ્લા મથક લુણાવાડામાં રહેતા આરોપીને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે.
છત્તીસગઢ રાજયના બસ્તર જિલ્લાના બોધઘાટ પોલીસ મથકમાં તા.16 ઓકટો.2022ના રોજ મોબાઈલથી ધરે બેઠા ઓનલાઈન પાર્ટ ટાઈમ નોકરીની લાલચ આપી અલગ અલગ તારીખે રૂ.2,46,200 રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેના અનુસંધાને પોલીસ તપાસમાં આરોપી રશીદ ખેરૂ રહેમાન (ઉ.વ.28, કંકા રોડ, ચાણકય હાઈસ્કુલ પાસે, લુણાવાડા)હોવાનુ ખુલતા પોલીસે આરોપીને ઝડપી ચીફ જયુડિ.મેજી.ની કોર્ટમાં રજુ કરતા આરોપીને તા.11 એપ્રિલ સુધીના ટ્રાન્ઝિટ રિમાન્ડ આપતા આરોપીને લઈ છત્તીસગઢ પોલીસ રવાના થઈ છે. ત્યારે વધુ તપાસમાં આ આરોપીએ અનેક મોબાઈલ નંબરથી કેટલા લોકોને છેતર્યા છે તે અંગે તેના એકાઉન્ટ ડિટેલ અને મોબાઈલ સીડીઆરથી તપાસ બાદ જાણવા મળી શકે છે. તેમજ ઓનલાઈન ઠગાઈ કરવાના વ્યાપક આંતરરાજય કોૈભાંડના ચોૈંકાવનારા ખુલાસા થઈ શકે તેવી સંભાવના નકારી શકાય નહિ.