અમેરિકન સરકારની સિસ્ટમ પર રશિયન હેકર્સ ત્રાટક્યા

અમેરિકન સરકારની સિસ્ટમ પર રશિયન હેકર્સ ત્રાટક્યા હતા. ટ્રમ્પ સરકારના અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે નાણા અને વાણિજ્ય વિભાગની સિસ્ટમને હેક કરવાની કોશિશ થઈ હતી. ડેટા હેક થયો છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનના અધિકારીઓએ કહ્યું હતું કે સરકારના વિવિધ વિભાગની સિસ્ટમ હેક થયાની શક્યતાના પગલે તપાસ હાથ ધરાઈ છે.

આ હેકિંગ પાછળ રશિયન હેકર્સ હોવાની પૂરી શક્યતા છે. શક્યતા તો એવી પણ વ્યક્ત થઈ છે કે સિસ્ટમના મેઈલનો ડેટા પણ હેકર્સે મેળવી લીધો છે. જો એવું થયું હશે તો અમેરિકન નાણા અને કોમર્સ વિભાગનો ખૂબ જ ગુપ્ત ડેટા હેકર્સના હાથમાં જઈ ચડયો હશે. રશિયન ગુપ્તચર એજન્સીના હેકર્સ આ સાઈબર હુમલા પાછળ હોવાની લિંક પ્રાથમિક તપાસમાં અધિકારીઓને જણાઈ હોવાથી એ દિશામાં તપાસ શરૂ કરાઈ હતી.