ગરબાડાના નઢેલા ગામે શોર્ટ સર્કિટમાં લાગેલ આગમાં રસોડામાં ગેસના બોટલ ફાટતા મકાન અને સરસામાન બળની ખાખ

દાહોદ,દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે એક મકાનમાં શોર્ટ સર્કીટના કારણે લાગેલ આગને પગલે રસોડામાં મુકેલ રાંધણ ગેસનો બોટલ ફાટતાની સાથે રહેણાંક મકાનના પતરા તેમજ લાકડાની વળીઓ સહિતનો સરસામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. લાગેલ આગમાં અંદાજે સવા લાખનું નુકસાન થયાનું જાણવા મળે છે.

ગતરોજ ગરબાડાના નઢેલાવ ગામે ખારકુવા ફળિયામાં રહેતાં રમેશભાઈ ધુળીયાભાઈ કટારાના કાચા મકાનમાં પાછળના ભાગે બપોરના ત્રણ વાગ્યાના સમયે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. લાગેલી આગના કારણે જોતજોતામાં આગે રસોડામાં મુકી રાખેલ રાંધણ ગેસના બાટલને પણ આગે ઝપેટમાં લઈ લીધો હતો અને રાંધણ ગેસનો બોટલો ઓચિંતો ફાટતાં જેના પગલે મકાનમાં આગળના ભાગે લાગેલ લાકડાની વળીઓ સહિત અનાજ વિગેરે બળીને ખાખ થઈ જતાં મકાન માલિકને અંદાજે એક લાખ વીસ હજાર જેટલાનું નુકસાન પહોંચ્યાંનું સામે આવ્યું છે. ગેસનો બોટલા ફાટતાં વિસ્તારમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી.