લીમખેડાના પાણીયા ગામે રોડ ઉપર બાઈકને ટેન્કર પાછળની ટકકર મારતાં મહિલા સહિત બેના મોત

દાહોદ,દાહોદ જિલ્લાના લીમખેડાના પાણીયા ગામે હાઈવે રોડ પર આગળ જઈ રહેલ મોટર સાયકલને પાછળથી પુરપાટ દોડી આવતું ટેન્કર પાછળના ભાગે જોશભેર ટક્કર મારી નાસી જતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં લીમખેડાના જેતપુર(દુ) ગામના 34 વર્ષીય ભરવાડ યુવકનું સ્થળ પર જ અરેરાટી ભર્યુ મોત નિપજ્યાનું તેમજ મોટર સાયકલ પર પાછળ બેઠેલ 40 વર્ષીય યુવતીને નાની મોટી ઈજાઓ થતાં તેને સારવાર માટે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

જેતપુર(દુ) ગામના લાડપુર ફળીયામાં રહેતા ધનાભાઈ ભરવાડ બિમાર હોઈ તેઓને સારવાર માટે ગોધરા દવાખાને દાખલ કર્યા હતા. જેથી નરેશભાઈ ધનાભાઈ ભરવાડ તથા તેમની બહેન 40 વર્ષીય ચંદ્રીકાબેન પરસોત્તમભાઈ ભરવાડ તેઓની જીજે-20 એએમ-7264 નંબરની મોટર સાયકલ પર તેઓની ખબર કરવા ગોધરા જવા નીકળ્યા હતા. તે દરમ્યાન રસ્તામાં પાણીયા ગામે હાઈવે રોડ પર પ્રાથમીક શાળાથી થોડે આગળ દાહોદ તરફથી પુરઝડપે અને ગફલત ભરી રીતે દોડી આવતું ટેન્કરે આગળ જતી રહેશભાઈ ધનાભાઈ ભરવાડની મોટર સાયકલને પાછળથી જોશભેર ટક્કર મારી દેતા મોટર સાયકલ પર સવાર નરેશભાઈ ધનાભાઈ ભરવાડ અને ચંદ્રીકાબેન પરસોત્તમભાઈ ભરવાડ મોટર સાયકલ પરથી ફંગોળાઈ રોડ પર પટકાયા હતા. તે વખતે ટેન્કરનું વ્હીલ નરેશભાઈ ભરવાડના માથાના ભાગે ફરી વળતા ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે ચંદ્રીકાબેન પરસોત્તમભાઈ ભરવાડને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને 108 મારફતે સારવાર માટે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યારે ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવેલ લીમખેડા પોલીસે મરણજનાર નરેશભાઈ ભરવાડની લાશનું પંચો રૂબરૂ પંચનામુ કરી લાશને પોસ્ટમોર્ટમ માસે લીમખેડા સરકારી દવાખાને મોકલી આપી ટેન્કર ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.