ગોધરા,
ગોધરા એસ.ટી. ડેપો ખાતેથી ગોધરા-અડાદરા ગામ સુધીની નાઈટ એસ.ટી.બસની સેવા જે છેલ્લા ૨૨ વર્ષથી નિયમિત ચાલી રહી હતી. આ નાઈટ બસ કોઈપણ કારણ વગર બંધ કરી દેવામાં આવી હોય ત્યારે ગોધરા-અડાદરા નાઈટ બસ પૂન: શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે કાલોલ ધારાસભ્ય દ્વારા ગોધરા એસ.ટી. ડેપો મેનેજરને લેખિત રજુઆત કરી છે.
ગોધરા એસ.ટી. ડેપો થી છેલ્લા ૨૨ વર્ષથી ગોધરા-અડાદરા ગામની નાઈટ બસની સુવિધા ચાલી રહી હતી.
ગોધરા થી અડાદરાની નાઈટ એસ.ટી.બસ નોકરીયાત વર્ગ તેમજ છુટક કામ કરતાં ધંધા અર્થે ગોધરા તેમજ વેજલપુર તેમન આસપાસ જતા લોકોને આ બસની સુવિધા પ્રાપ્ત થતી હતી. તેમજ વહેલી સવારે ઉપડતી બસ ગ્રામજનો માટે ઉપયોગી હતી. તેવી ગોધરા-અડાદરા નાઈટ બસને ગોધરા ડેપો દ્વારા બંધ કરવામાં આવી છે. નાઈટની બસ બંધ થતાં મોડી સાંજે નોકરી-ધંધા ઉપર થી છુટતા લોકો માટે મુશ્કેલીઓ સર્જવા પામી છે. ગોધરા-અડાદરા નાઈટ બસની સેવા પૂન: શરૂ કરવામાં આવે તે માટે ગામના સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા ગોધરા એસ.ટી.ડેપો મેનેજરને અવારનવાર લેખિત અને મૌખિક રજુઆત કરવામાં આવી હોય છતાં ગોધરા-અડાદરા નાઈટ બસની સુવિધા શરૂ કરવામાં આવી ન હોય આ બાબતે ગ્રામજનો દ્વારા કાલોલ ધારાસભ્ય સુમનબેન પી.ચૌહાણને રજુઆત કરવામાં આવી હતી. ત્યારે ધારાસભ્ય દ્વારા ગોધરા એસ.ટી. ડેપો મેનેજરને ગોધરા-અડાદરા નાઈટ બસ સેવા ચાલુ રાખવામાં આવે તેવી લેખિતમાં રજુઆત કરી છે. ત્યારે હવે જોવાનું રહે કે ગોધરા ડેપો મેનેજર દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી કાયમી રીતે ચાલતી નાઈટ બસની સુવિધા પાછી શરૂ કરીને ગ્રામજનોની માંગને સાંભળશે ખરા ?