ગાંધીનગર,કોરોના વાયરસને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. કોરોના વાયરસને લઈને આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ વર્ચ્યુઅલી સામેલ થયા હતા. સાથે જ આ બેઠકમાં આરોગ્ય વિભાગ, નીતિ આયોગ, એનટી NTAGIના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ નવા વેરિઅન્ટને ફેલાવતા અટકાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાતના આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ભારત વિશ્ર્વમાં કોરોના બાબતે સતર્ક છે. ગુજરાતમાં વર્તમાન સમયમાં ૨૧૪૨ની આસપાસ કોરોના વાયરસના એક્ટિવ કેસ છે. અત્યારે XBB1.6 વેરિઅન્ટનો સબવેરિએન્ટ છે, તે અત્યારે ઘાતક દેખાતો નથી. પરંતુ XBB1.6 નો ફેલાવો વધારે છે. કો મોર્બીડ દર્દી અને સિનિયર સિટિઝનઓ પર વિશેષ યાન આપવું તેવી મહત્વની સૂચના કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા દ્વારા આપવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, આગામી ૧૦, ૧૧ એપ્રિલે રાજ્યની તમામ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલમાં અધિકારીઓ દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવશે અને ઓક્સિજન, વેન્ટીલેટર, દવાનો જથ્થો અને સ્ટાફની માહિતી મેળવવા માટે આવશે.
તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરાવવા ખાતરી આપી છે. તેમણે અપીલ કરતા કહ્યું કે, ઉંમરલાયક વ્યક્તિઓમાં જો કોરોનાના લક્ષણો જણાય તો કોરોના ટેસ્ટ કરાવી તાત્કાલિક સારવાર શરૂ કરાવી દેવી જોઈએ.
રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં ૨૪ કલાકમા ૩૨૭ કેસ નોંધાયા છે. અમદાવાદમા ૯૮ કેસ તેમજ વડોદરામાં ૬૦ કેસ નોંધાયા છે. સુરતમાં ૩૭, મહેસાણામાં ૨૪ મોરબીમાં ૧૨ કેસ નોંધાયા છે. વલસાડમાં ૧૨ તેમજ સુરતમાં ૨૭ કેસ નોંધાયા છે. પાટણમાં ૭ અને આણંદમાં ૬ તેમજ સાબરકાંઠામાં ૬ કેસ નોંધાયા છે.અમદાવાદમાં કોરાનાથી એકનું મોત થયું છે. એક્ટિવ કેસની સંખ્યા ૨૧૪૨ પર પહોંચી છે જ્યારે વેન્ટીલેટરમાં ૧૧ દર્દીઓ છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૨૭કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૯૭ ટકા નોંધાયો છે. તેમજ ૨૬૦ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં ૨૧૪૨ કોરોનાના એક્ટિવ કેસ છે.