યુપીના પ્રયાગરાજમાં ફરી બોમ્બમારો : ભાજપ નેતાના પુત્રની કાર પર બોમ્બ ફેંક્યા, ઉમેશની હત્યાના ૪૨ દિવસ બાદ ફરી આવી ઘટના

પ્રયાગરાજ,પ્રયાગરાજમાં ઉમેશ પાલ મર્ડર કેસ બાદ ફરી એકવાર બોમ્બમારો થયો છે. ભાજપના જિલ્લા મંત્રી વિજયાલક્ષ્મી ચંદેલના પુત્ર પર ઝુંસી વિસ્તારમાં બોમ્બથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેમની કાર પર બે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ચંદેલનો પુત્ર વિધાન સિંહ આ હુમલામાં બચી ગયો હતો.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વિધાન સિંહ રાત્રે ૮:૦૦ વાગ્યે સફારી કારમાં તેમની માસીના ઘરે ગયા હતા. કારમાં તેનો મિત્ર પ્રાંશુ યાદવ પણ હતો. તે માસીના દીકરાની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે બે બાઇક પર સવાર ૪ યુવકોએ કાર પર બોમ્બ વડે હુમલો કર્યો હતો. ચારેયએ મોઢા પર રૂમાલ બાંધ્યો હતો.

રાજુ પાલ મર્ડર કેસના સાક્ષી ઉમેશ પાલની ૨૪ ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેની કાર અને ગનર પર પણ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ કેસમાં ગેંગસ્ટર અતીકનો પુત્ર અસદ અને તેના સાથીદારો સામેલ હતા. ૪૨ દિવસ બાદ શહેરમાં ફરી એકવાર આવો જ હુમલો થયો છે.

હુમલા બાદ વિધાનસિંહ ઝડપી કાર ચલાવીને ભાગી ગયો હતો.ભાગતી વખતે કાર સ્કૂટી પર સવાર એક મહિલા સાથે અથડાઈ હતી. વિધાનસિંહની માતા વિજયાલક્ષ્મી પણ જિલ્લા મંત્રી છે. તેઓ થાનાપુર ગ્રામસભાના પણ પ્રધાન છે. જણાવવામાં આવી રહ્યું છે કે થોડા દિવસો પહેલા કૌશામ્બીમાં તૈનાત કોન્સ્ટેબલ શિવ બચન યાદવના પુત્ર શિવમ યાદવ સાથે વિધાન સિંહનો વિવાદ થયો હતો. કોન્સ્ટેબલ અને તેના પુત્રએ ભાજપના નેતાના ઘરે જઈને માફી માગી હતી. વિધાન સિંહે કોન્સ્ટેબલના પુત્ર પર મારપીટનો આરોપ લગાવ્યો છે. પોલીસે કેસ નોંધ્યો છે.

વિજયલક્ષ્મીએ ખુલાસો કર્યો કે હુમલાખોર કોન્સ્ટેબલનો પુત્ર શિવમ છે. તેણે મારા પુત્રનો જીવ લેવાનો પૂરો પ્રયાસ કર્યો છે. ભગવાનનો આભાર દીકરો બચી ગયો. હુમલાખોરો પાસે હથિયાર પણ હતા. પોલીસે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

યુપીમાં અતીક અહેમદની આગળ બાહુબલી શબ્દ લગાડવામાં આવે છે અને ૧૭ વર્ષની ઉંમરે જ તેના પર મર્ડરનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તો આવો, જાણીએ કે યુપીનો આ બાહુબલી અતીક અહેમદ કોણ છે અને તેને કેમ ૨૦૧૯થી અમદાવાદની સાબરમતી જેલમાં બંધ કરવામાં આવ્યો છે…તેની સામે પ્રયાગરાજમાં ખંડણી સહિતના કેસ દાખલ છે અને પ્રયાગરાજની કોર્ટના આદેશ પર ઉત્તરપ્રદેશની પોલીસ તેને લેવા માટે અમદાવાદ આવી છે.