ઇસ્લામાબાદ,આર્થિક રીતે બેહાલીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની હાલત એક સાંધે ત્યાં તેર તુટે જેવી છે. વિદેશી હુંડિયામણની અછતના કારણે પાકિસ્તાને જાત જાતની વસ્તુઓના આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે .હવે ૨૪ કલાક ગેસ સપ્લાય કરવા માટે પણ પાકિસ્તાની સરકારે અશક્તિ દર્શાવી છે.પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી મુસાદિક મલિકે હાથ અધ્ધર કરીને કહ્યુ છે કે, પાકિસ્તાનમાં ૨૪ કલાક ગેસ સપ્લાય થાય તેવી સ્થિતિ નથી. કારણકે હાલમાં રમઝાન મહિનાના કારણે ગેસની ડીમાન્ડ વધી ગઈ છે અને તેની સામે એટલો પૂરવઠો નથી. આમ ઘણા વિસ્તારોમાં ગેસની અછત સર્જાઈ છે અને ગેસના કાળાબજાર પણ થઈ રહ્યા છે.
મલિકે ગેસ બિલને લઈને પણ નવા નિયમો જાહેર કર્યા છે. તેમણે સમસ્યાનો ઉકેલ લાવવા માટે કરાચીની મુલાકાત લેવાની જાહેરાત કરાવની સાથે સાથે કહ્યુ છે કે, ધનિકોને હવે ગેસ માટે વધારે પૈસા ચુકવવા પડશે. ધનિકો અને ગરીબોના ગેસ બિલ અલગ રીતે ગણવામાં આવશે.
દરમિયાન પાકિસ્તાનના સરકારી તંત્રના અધિકારીઓનુ કહેવુ છે કે, ગેસ સપ્લાય માટેનો સમય નક્કી થશે અને તે પણ બધા દિવસે સપ્લાય ઉપલબ્ધ નહી હોય. સપ્લાય પર નજર રાખવામાં આવશે. ગેસના ઉપયોગમાં બેદરકારી દાખવનારા લોકો સામે કાર્યવાહી થશે.
જોકે સરકારના નિર્ણયથી ઉદ્યોગજગત નારાજ છે. કરાચી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનુ કહેવુ છે કે, જો ગેસ સપ્લાય નહીં કરવામાં આવે તો ઉત્પાદન કેવી રીતે થશે. પાકિસ્તાની સરકાર વગર વિચાર્યે નિર્ણયો લેશે તો મોટુ નુક્સાન થશે. ગેસ સપ્લાય પરના નિયંત્રણો તાત્કાલિક દુર કરવાની જુરર છે. ઉદ્યોગો ગેસ વગર કામ નહીં કરી શકે તેવુ પાક સરકારે સમજવાની જરૂર છે. કરાચીનો વેપારી તેમજ ઉદ્યોગ સમુદાય પાકિસ્તાનની નિકાસમાં ૫૪ ટકાનુ યોગદાન આપે છે અને આવકમાં તેનો હિસ્સો ૬૮ ટકા જેટલો છે. સમય પર ઉદ્યોગોને ગેસ નહીં પૂરો પાડવામાં આવે તો તમામ કામકાજ ઠપ થઈ જશે.