ભાવનગર,ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ બી.કોમ સેમેસ્ટર-૬ ની પરીક્ષામાં ગત શનિવારે લેવાયેલ ફાઇનાન્સ એકાઉન્ટ ( મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ) નો પેપર લીક થવા મામલે પોલીસ અને યુનિવર્સિટી ની સંયુક્ત તપાસ બાદ યુનિવર્સિટી ના કુલસચિવે નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે જી.એલ. કાકડીયા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.અમિત વી. ગલાણી સહિત ચાર વિરુદ્ધ ગુનો નોંધી અટકાયતી પગલા ભર્યા હતા.
જ્યારે પેપર લીક મામલામાં વધુ એક વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા બી. કોમ સેમેસ્ટર-૬ ની પરીક્ષા દરમિયાન ગત શનિવારે પરીક્ષાના સમય પહેલા જ ફાઇનાન્સ એકાઉન્ટ (મેનેજમેન્ટ એકાઉન્ટિંગ) નું પેપર લીક થયું હતું. આ મામલે ગુજરાતમાં પેપર લીકની ઘટનાઓને ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજાએ ભાવનગરમાં પત્રકાર યોજી પેપર લીક થયાની માહિતી જાહેર કરી હતી.
જેને અનુસંધાને ભાવનગર યુનિવર્સિટી ની પરીક્ષા સમિતિ અને પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી અને આ પેપર ભાવનગરની જી.એલ. કાકડીયા કોલેજમાંથી ફૂટ્યું હોવાનું ફલિત થતા યુનિવર્સિટી ની પરીક્ષા સમિતિએ ગઈકાલે જાહેર રજાના દિવસે બેઠક બોલાવ્યા બાદ બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ નોંધાતા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત ત્રણની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા જ્યારે નીલમબાગ પોલીસે વઘુ એક યશપાલસિંહ ગોહિલની ધરપકડ કરી હતી.