બેંગ્લોર,આઇપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાની બીજી મેચમાં હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમી હતી. આ મેચમાં કેકેઆરનું ચમત્કારિક પ્રદર્શન જોવા મળ્યું હતું, આ જોઈને ફેન્સના ટિકિટના રૂપિયા વસૂલ થઈ ગયા હતા. પહેલા બેટિંગ કરવા ઉતરેલી કેકેઆરની શરુઆત ખાસ નહોતી રહી. પરંતુ જે કામ ટોપ ઓર્ડર ના બેટ્સમેન ના કરી શક્યા તે શાનદાર રીતે ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે કરી બતાવ્યું હતું. હોમ ગ્રાઉન્ડ પર કેકેઆરની જીતમાં શાર્દુલ ઠાકુરની મહત્વની ભૂમિકા રહી છે.
પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી કેકેઆર તરફથી રહમનુલ્લાહ હુરબાઝને ટોપ ઓર્ડરની જવાબદારી સોંપાઈ હતી. ગુરબાઝે શાનદાર અડધી સદી લગાવી હતી, પરંતુ તેની સામેના બેટ્સમેનો ડબલ ડિજિટમાં પણ પહોંચી શક્તા નહોતા. આવામાં રસેલ ડક થયો હતો. પરંતુ શાર્દુલ ઠાકુરે રસેલની કમી પૂરી કરી હતી. તેણે માત્ર ૨૦ બોલમાં સ્ફોટ બેટિંગ કરીને અડધી સદી પૂર્ણ કરીને ૩ છગ્ગા અને ૯ ચોગ્ગાની મદદથી ૬૮ રન બનાવ્યા છે.
આ સાથે રિંકૂ સિંહે પણ ૪૬ રનની સ્ફોટક બેટિંગ કરી હતી. જેના કારણે કેકેઆર પોતાનો સ્કોર ૨૦૪ પર પહોંચાડી દીધી હતી. શાર્દુલ ઠાકુરની બેટિંગ જોઈને કેકેઆર સિવાયના ક્રિકેટ ચાહકો પણ તેના ફેન બની ગયા હતા. શાર્દુલની બેટિંગ જોયા બાદ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પણ પોતાને રોકી શકી નહોતી, સુહાનાએ શાર્દુલની જબરજસ્ત પ્રશંસા કરી હતી.
મેચના હીરો રહેલા શાર્દુલ ઠાકુરે તોફાની બેટિંગ કરી જેના પર સુહાના ખાને રિએક્શન આપ્યું છે, સુહાનાએ કહ્યું, મને ક્રિકેટ જોવાનો બહુ શોખ નથી. પરંતુ આ ઈનિંગ્સને જોઈને મને લાગ્યું કે આ કેટલી શાનદાર રમત છે. મેં આવી બેટિંગ પહેલા ક્યારેય જોઈ નથી. શાર્દુલ તમે સારું રમ્યું, મને ખુશી છે કે આ ઐતિહાસિક મેચ અને તમારી શાનદાર ઈનિંગ્સ ગવાહ બની છે. તમે કરોડો લોકોને તમારા ફેન બનાવી દીધા છે, જેમાં મારો પણ સમાવેશ થાય છે.
શાર્દુલ ઠાકુર પછી કેકેઆરના સ્પિનર્સે પણ કમાલની જાળ બીછાવી હતી. ટીમના બન્ને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુપ્લેસી સ્પિનર્સની જાળમાં ફસાઈ ગયા હતા. આમ આખી ટીમ ધરાશાયી થઈ ગઈ હતી. આ મેચમાં ૨૦૪ના ટાર્ગેટ સામે બેંગ્લોરની ટીમ ૮૧ રનથી હારી ગઈ હતી. આ જીત સાથે કેકેઆરે કમબેક કર્યું છે. પહેલી મેચમાં ટીમની પંજાબ સામે હાર થઈ હતી.
સુહાના ખાન મેચ પૂર્ણ થયા બાદ શાર્દુલ ઠાકુરની સાથે ઉભેલી પણ જોવા મળી હતી. સુહાના પોસ્ટ મેચ સેરેમની દરમિયાન એવોર્ડ આપવા માટે ઉપસ્થિત રહેલા લોકોની સાથે ઉપસ્થિત હતી. અહીં તેણે શાર્દુલ ઠાકુરને તોફાની બેટિંગ બદલની ટ્રોફી અને ચેક પોતાના હાથે આપ્યા હતા.