અમીષા પટેલ સુનાવણીમાં ન પહોંચી, રાંચી સિવિલ કોર્ટ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યુ

’ગદર’ ફેમ એક્ટ્રેસ અમીષા પટેલ મુશ્કેલીમાં છે. રાંચી સિવિલ કોર્ટે અમીષા અને તેના બિઝનેસ પાર્ટનર કુણાલ ગુમર વિરુદ્ધ ચેક બાઉન્સ, છેતરપિંડી અને ધાકધમકી માટે વોરંટ ઇસ્યુ કર્યું છે. આ કેસમાં અગાઉ કોર્ટે અમીષાને સમન્સ મોકલ્યું હતું, પરંતુ જ્યારે તે કોર્ટમાં ન પહોંચી ત્યારે કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું હતું. હવે આ કેસની આગામી સુનાવણી માટે ૧૫ એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી છે.

અરગોરાના રહેવાસી અજય કુમાર સિંહે ૧૭ નવેમ્બર ૨૦૧૮ના રોજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટમાં બંને વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે, અમીષા અને તેના બિઝનેસ પાર્ટનર કુણાલે તેની પાસેથી મ્યુઝિક આલ્બમ અને ફિલ્મોના નામે પૈસા લીધા હતા. પૈસા લેવા છતાં બંને દ્વારા કોઈ કામ કરવામાં આવ્યું ન હતું. આ સિવાય અજયે આરોપ લગાવ્યો છે કે, અમીષાએ તેની પાસેથી ફિલ્મ ’દેશી મેજિક’ માટે ૨.૫ કરોડ રૂપિયા લીધા હતા.

જ્યારે ૨૦૧૮માં ફિલ્મ ’દેશી મેજિક’ બની ન હતી, ત્યારે બંને વચ્ચેના કરાર મુજબ અજયે અમીષા પાસે તેના પૈસાની માંગણી કરી હતી. લાંબી રાહ જોયા બાદ અમીષા પટેલે ઓક્ટોબર ૨૦૧૮માં ૨.૫ કરોડ અને ૫૦ લાખ રૂપિયાના બે ચેક આપ્યા હતા જે બાઉન્સ થયા હતા. આ પછી અજયે અમીષા અને તેના મેનેજર વિરુદ્ધ કેસ દાખલ કર્યો. રિપોર્ટ્સ અનુસાર, અજય સિંહ બિહારના ભોજપુર જિલ્લાના બખોરાપુરનો રહેવાસી છે. તે હંમેશા બોલિવૂડમાં પોતાનું સ્થાન હાંસલ કરવા માગતો હતો. ૨૦૧૭માં હરમુ હાઉસિંગ કોલોનીમાં ડિજિટલ ઈન્ડિયા પર એક કાર્યક્રમ હતો. જેમાં અમીષા અને અજય સિંહ મહેમાન તરીકે સ્ટેજ પર સાથે બેઠા હતા. ઈવેન્ટ દરમિયાન અજયને ફિલ્મ ’દેશી મેજિક’માં પૈસા ઈન્વેસ્ટ કરવાની ઓફર મળી, ત્યારબાદ તેણે અમીષાને ૨.૫ કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો.