ગોધરા તાલુકાની શાળાઓમાં આર.ઓ.મશીન કોૈભાંડમાં કમિટીના છ કર્મીઓને નોટિસ

ગોધરા,ગોધરા તાલુકાની શાળાના બાળકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે વર્ષ-2020/21 તેમજ 2021/22ની ગ્રાન્ટ મંજુર કરીને તાલુકાની 86 શાળાઓમાં 86 લાખ રૂપિયાના ખર્ચે આર.ઓ.મશીન ખરીદી કરવાનુ કામ ખાનગી કોન્ટ્રાકટરને આપવામાં આવ્યુ હતુ. તપાસ ટીમે ગોધરા તાલુકાની ગોલ્લાવ, ઓરવાડા,બગીડોળ, મહેલોલ, ગદુકપુર, ધાણીત્રા, વેલવડમાં તપાસ હાથ ધરી હતી. શાળાઓમાં તપાસ દરમિયાન આર.ઓ.મશીન અને ટાંકી ફીટ કર્યા વગર શાળામાં કોન્ટ્રાકટર મુકી જતા રહ્યા હતા. કોન્ટ્રાકટર દ્વારા શાળામાં આર.ઓ.પ્લાન્ટ, પાણીની ટાંકી, સીસી સ્ટેન્ડ તેમજ તકતી મળીને 1 લાખ રૂપિયા લેખે 86 શાળાના 86 આર.ઓ.મશીનનુ કામ પુર્ણ બતાવીને 86 લાખ ચુકવી દેવામાં આવ્યા હતા. તપાસમાં આર.ઓ.મશીનની ખરીદી કરતી ખરીદી કમિટીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેથી કમિટીના અઘ્યક્ષ તત્કાલિન ગોધરા તાલુકા વિકાસ અધિકારી તથા આંતરિક કમિટીના સભ્યો આંતરિક અન્વેષણ અધિકારી જિલ્લા પંચાયત, તત્કાલિન અધિક મદદનીશ ઈજનેર તાલુકા પંચાયત, નાયબ હિસાબનીશ અધિકારી તા.પં. ટીડીઓ, મદદનીશ ટી.ડી.ઓ.મળીને 6 અધિકારીઓને ટીમ એકબીજાની મિલીભગત તથા મેળાપીપણાથી સરકારના નાણાંકિય હેતુને નુકસાન કરીને ખાનગી એજન્સીને ફાયદો કરાવ્યો હોવાનુ તપાસથી ફલિત થાય છે.તત્કાલિન ટીડીઓ તેઓને સોંપેલ કાર્યથી વિપરીત જઈને ખરીદી પ્રક્રિયા કરવામાં આવી હોવાનુ તપાસમાં બહાર આવ્યુ છે. ત્યારે આર.ઓ.મશીન હલકી ગુણવત્તાના આપતા ના.ડી.ડી.ઓ.એચ.ટી.મકવાણા દ્વારા કમિટીના 6 સભ્યોને ખુલાસો કરતી નોટિસ ફટકારી છે.