મહિસાગર જીલ્લામાં કુલ-52 પરીક્ષા કેન્દ્રો ઉપર કુલ-20130 ઉમેદવારો જુનિયર ક્લાર્ક સંવર્ગની પરીક્ષા આપશે

મહિસાગર,આગામી તા.09/04/2023 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે, જેમાં માહિસાગર જીલ્લામાં કુલ-52 પરીક્ષા કેન્દ્રો ઉપર કુલ-20130 ઉમેદવારોની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે. સદર પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતી ન થાય તેની પુરતી તકેદારી રાખવામાં આવેલ છે, જેમાં ખાસ કરીને દરેક પરીક્ષા કેન્દ્રો ખાતે વર્ગખંડ, લોબી, સ્ટાફરૂમ, મુખ્યરૂમ વગેરે જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવેલ છે, તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે બોર્ડ પ્રતિનિધિ તથા સીસીટીવી ઓબ્ઝર્વરની નિમણુક કરવામાં આવેલ છે. જીલ્લામાં કુલ-16 ફલાઇંગ સ્કવોડની પણ રચના કરવામાં આવેલ છે. આમ, મહિસાગર વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાની સલામતી માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

પરીક્ષાનું સંચાલન સફળતા પૂર્વક થાય, અસામાજિક તત્વોના ભય વગર ખંડ નિરીક્ષકો નિરીક્ષણ કાર્ય કરી શકે તથા પરીક્ષાર્થીઓ શાંતિમય અને સૌહાદપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતા પૂર્વક તથા ગેરરીતી કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રો ખાતેના સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા તથા પરીક્ષા શાંતિથી અને નિર્વિને પાર પડે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રની આસપાસ CRPC એક્ટની કલમ-144 અન્વયે જરૂરી જાહેરનામાં તા.31/03/2023ના રોજ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, જિ.મહીસાગર ઘ્વારા બહાર પાડવામાં આવેલ છે.

પરીક્ષાઓમાં થતી ગેરરીતી અટકાવવા માટે ગુજરાત સરકાર ધ્વારા નવીન કાયદો બનાવવામાં આવેલ છે. જે કાયદામાં સજા તથા દંડની સખ્ત જોગવાઈઓ કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે ઓછામાં ઓછી ત્રણ વર્ષથી દસ વર્ષ સુધીની કેદ તથા એક લાખથી એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈઓ કરવામાં આવેલ છે.

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો તેઓને જરૂરી માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી અત્રે જીલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. જે કંટ્રોલ રૂમનો નંબર 02674-250566 છે. જે તા.09/04/2023ના રોજ સાંજે 06:00 કલાક સુધી કાર્યરત રહેશે.

જુનિયર કલાર્કની પરીક્ષા નિર્વિઘ્ને અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર અને જીલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. જેથી ઉમેદવારોને કોઈપણ પ્રકારના ભય કે પ્રલોભન વિના પરીક્ષા આપવા માટે આહ્વાન કરવામાં આવે છે અને પરીક્ષા માટે ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવતા જીલ્લા વિકાસ અધિકારી મહીસાગર, લુણાવાડાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.