દાહોદમાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોથી ભરચક ઘાંચીવાડમાં MGVCLનો થ્રીફ્રેશ લાઈનનો ઓવરહેડ વાયર તૂટીને રસ્તા પર પડ્યો: સદનસીબે કોઈ જાનહાની નહિ

એમજીવીસીએલનો જીવંત વાયર તૂટીને નીચે પડતા મૂંગા પશુને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો.

દાહોદ,દાહોદ શહેરના વાહનો તેમજ રાહદારીઓની અવરજવરથી ભરચક રહેતા ઘાંચિવાડમાં શોર્ટ સર્કિટના કારણે થ્રી ફેસ ઓવર હેડ વાયર તૂટીને જમીન પર પડતા ત્યાંથી પસાર થતાં મૂંગા પશુને ઈલેક્ટ્રીક કરંટ લાગતા ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, ઓવરહેડ વાયર તૂટયો તે સમયે વાહન ચાલકો તેમજ રાહદારીઓની અવરજવર નહીવત હોવાના કારણે સદ નસીબે કોઈ જાનહાની બનવા પામી નહોતી. જોકે, આ બનાવમાં એમજીવીસીએલને અનેકવાર જાણ કરવા છતાં ખાસી બધી વાર પછી એમજીવીસીએલના કર્મચારીઓ આવતા સ્થાનિકોએ એમજીવીસીએલની લેટ લતીફીને લઈ પોતાનો રોષ ઠાલવ્યો હતો.

દાહોદ શહેરમાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોની અવરજવરથી કાયમી વ્યસ્ત રહેતા ઘાંચીવાડ ખાતે આજરોજ સાંજના સુમારે એમજીવીસીએલની પસાર થતી થ્રી ફેસ લાઈનના ઓવર હેડ વાયરમાં ઓવરલોડ ના કારણે વાયર ગરમ થઈ બ્રેક થયો હતો. જેના પગલે થ્રી ફેસ લાઈનનો જીવંત વાયર તૂટીને રસ્તા પર પડતા અત્રેથી પસાર થતાં મૂંગા પશુને ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો પરંતુ તેના જીવ પછી જવાબ પામ્યો હતો. આ ઓવર હેડ વાયર તૂટ્યો તે સમયે વાહન ચાલકો તેમજ રાહદારીઓની અવરજવર નહીવત હોવાના કારણે સબ નસીબે કોઈ જાનહાની બનવા પામી નહોતી. જોકે, આ ઘટના બાદ આસપાસના ભેગા થયેલા લોકોએ તરત જ એમજીવીસીએલ નો સંપર્ક સાધ્યો હતો. પરંતુ દોડતી બે કલાક જેટલો સમય વિત્યાં છતાય એમજીવીસીએલના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા નહોતા. અને આ જીવંત વાયરની નજીકથી લોકો બિન્દાસ પણ અવર જવર કરી રહ્યા હતા. જોકે દોઢ કલાક બાદ એમજીવીસીએલના કર્મચારીઓ સ્થળ પર આવતા સ્થાનિકોએ એમજીવીસીએલના કર્મચારીઓ ઉપર રોષ ઠાલવ્યો હતો. હાલ આ ઘટનામાં ઓવરલોડ ના કારણે થ્રી ફેસ લાઈનનો ઓવર હેડ વાયર ગરમ થઈ બ્રેક થઈ જમીન ઉપર તૂટીને પડ્યો હોવાનું કહેવાય રહ્યું છે. જોકે, આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની ન પહોંચતા સ્થાનિકોએ તેમજ એમજીવીસીએલના કર્મચારીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.