CNG-PNGની કિંમતમાં 10% ટકા ઘટી જશે, મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય.

  • જનતાને CNG-PNGના ભાવમાં રાહત મળી શકે 
  • સરકારે કિરીટ પરિખ કમિટીની ભલામણોને આપી મંજૂરી
  • ઘરેલુ કિંમતની નવી ફોર્મ્યુલાને કેબિનેટની લીલીઝંડી 
  • સીએનજી-પીએનજીના ભાવમાં 10 ટકા સુધીનો ઘટાડો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ઘરેલુ પ્રાકૃતિક ગેસની કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી દીધી છે.  સરકારના આ નિર્ણય બાદ સીએનજી અને પીએનજી જેવા ઇંધણના ભાવમાં ઘટાડો થઇ શકે છે. સરકાર વર્ષમાં બે ઘરેલુ નેચરલ ગેસના ભાવની સમીક્ષા કરે છે. પરંતુ 1 એપ્રિલ, 2023ના રોજ, પરીખ સમિતિની ભલામણો પર સરકારે નિર્ણય લેવાનો હોવાથી ગેસના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સીએનજી-પીએનજીની કિંમતો દર મહિને થશે જ્યારે અત્યાર સુધી વર્ષમાં બે વાર એપ્રિલ અને ઓક્ટોબરમાં કિંમતોની નક્કી થતી હતી. સરકારના આ નિર્ણયને કારણે પીએનજી-સીએનજી ગેસની કિંમતમાં 10 ટકાનો ઘટાડો આવશે. 

સીએનજી પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવા ભલામણ
કિરીટ પરીખ સમિતિએ કેન્દ્ર સરકારને સીએનજી પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવા ભલામણ કરી છે. સમિતિએ પોતાની ભલામણોમાં સરકારને કહ્યું છે કે જ્યાં સુધી નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવાનો નિર્ણય ન આવે ત્યાં સુધી સીએનજી પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવામાં આવે જેથી કરીને ગ્રાહકોને રાહત મળી શકે.  નેચરલ ગેસ હાલ જીએસટીમાંથી બહાર છે. સાથે જ પેટ્રોલિયમ પ્રોડક્ટ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટીમાંથી વેટ લેવામાં આવે છે. કેન્દ્ર સરકાર નેચરલ ગેસ પર એક્સાઈઝ ડ્યૂટી નથી લેતી. પરંતુ જો સીએનજી પર 14 ટકા એક્સાઇઝ ડ્યૂટી લેવામાં આવે તો રાજ્ય સરકાર 24.5 ટકા સુધી વેટ લગાવે છે. કિરીટ પરીખ સમિતિએ નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવા સરકારને ભલામણ કરી છે. 

ગેસના ભાવ પરની મર્યાદા નાબૂદ કરવાનું સૂચન
કિરીટ પરીખ સમિતિએ આગામી ત્રણ વર્ષ માટે ગેસના ભાવ પરની મર્યાદા નાબૂદ કરવાનું સૂચન પણ કર્યું છે. આ ઉપરાંત સમિતિએ દેશમાં જૂના ગેસ ફિલ્ડ્સમાંથી ઉત્પાદિત કુદરતી ગેસના પ્રાઇસ બેન્ડને 3થી 4.6 ડોલર પ્રતિ યુનિટ (એમએમબીટીયુ) નક્કી કરવાની ભલામણ કરી છે.

ક્યારે મળી શકે રાહત
હાલમાં કેન્દ્રીય કેબિનેટે સમિતીની ભલામણોને મંજૂરી આપી હોવાથી સરકાર હવે ગમે ત્યારે સીએનજી-પીએનજીના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી શકે. કેબિનેટના આ નિર્ણયથી સીએનજી-પીએનજીના ભાવમાં 10 ટકા સુધીનો ઘટાડો થશે.