મેક્સિકોથી ઝડપાયેલા કુખ્યાત ગેંગસ્ટર દીપક પહલ ઉર્ફે બોક્સરને દિલ્હી લાવવામાં આવ્યો

  • દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં એક બિલ્ડરની હત્યામાં કથિત સંડોવણીના સંબંધમાં તેની પૂછપરછ કરવામાં આવશે.

નવીદિલ્હી,મેક્સિકોથી ઝડપાયેલા કુખ્યાત ગેંગસ્ટર દીપક પહલ ઉર્ફે બોક્સરને દિલ્હી લાવવામાં આવ્યો છે. દસ જેટલા ગુનાહિત કેસમાં વોન્ટેડ દીપક બોક્સર મેક્સિકોમાં પોલીસ અધિકારીઓના હાથે ઝડપાઈ ગયો હતો. ભારતમાં ગુનાઓ આચરી વિદેશમાં ફરાર થનાર આરોપીઓ સાથે પોલીસ અને હોમ અફેર્સ મીનીસ્ટ્રી એક્શન મોડમાં આવી છે જેને લઇ આ સમગ્ર કાર્યવાહી શરુ થઇ છે.

મળતી માહિતી મુજબ, ગૃહમંત્રી અમિત શાહે દીપક બોક્સરની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો, જેને મેક્સિકોથી એફબીઆઇની મદદથી દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. મહત્વનું છે કે, મોટા ગુનાઓ આચરી છુપી રીતે ભારત છોડી વિદેશ જનારા ગેંગસ્ટરો સામે સરકાર એલાલ આંખ કરી છે.ગેંગસ્ટર દીપક સાથે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની બે સભ્યોની ટીમ આજે સવારે લગભગ ૬ વાગ્યે મેક્સિકોથી ઈસ્તાંબુલ થઈને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી. પોલીસે કહ્યું કે તેની ગુનાહિત પ્રવૃત્તિઓ અને ઉત્તર દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં એક બિલ્ડરની હત્યામાં કથિત સંડોવણીના સંબંધમાં તેની પૂછપરછ કરવામાં આવશે.

ગૃહ મંત્રાલયે કુખ્યાત ભારતીય ગેંગસ્ટરોની યાદી બનાવી છે, જેમાં ઘણા મોટા ગેંગસ્ટરોના નામ સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં એવા આરોપીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે, જેઓ હાલમાં વિદેશમાં છુપાયેલા છે. જેમના પર સામાજિક અને ધામક નેતાઓ, ફિલ્મ સ્ટાર્સ, ગાયકો અને ઉદ્યોગપતિઓના ટાર્ગેટેડ કિલિંગ સંબંધિત ષડયંત્રનો પણ આરોપ છે. મંત્રાલય દ્વારા ૨૮ જેટલા વોન્ટેડ ગેંગસ્ટરના નામ સામેલ કરવામાં આવ્યા છે.

આ આરોપીઓ સામે હત્યા, ખંડણી સહિતના અન્ય ગુનાહિત કેસ નોંધાયેલા છે. ગૃહ મંત્રાલયની યાદી અનુસાર, સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર ગેંગસ્ટર્સની યાદીમાં ટોચ પર છે. જે અમેરિકામાં ક્યાંક છુપાયો હોવાની આશંકા છે. અન્ય એક લોરેન્સ બિશ્ર્નોઈની સાથે બ્રારને પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા પાછળનો માસ્ટરમાઇન્ડ હોવાનું કહેવાય છે. જેમાં એનઆઇએના જણાવ્યા અનુસાર, તે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના ઓપરેટિવ લખબીર સિંહ ઉર્ફે લંડા સાથે સીધો સંબંધ ધરાવે છે, જે મોહાલી અને તરનતારનમાં આરપીજી હુમલાના આરોપીઓ છે.