ફોર્બ્સે આપી વિશ્ર્વના અમીરોની યાદી મુકેશ અંબાણી એશિયામાં નંબર-૧, બેઝોસને સૌથી વધુ નુક્સાન થયું; અદાણી ટોપ-૨૦માં પણ નહીં

ફોર્બ્સે વિશ્ર્વના અબજોપતિઓની તેમની ૩૭મી વાષક યાદી બહાર પાડી. આ યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ સતત બીજા વર્ષે ટોપ-૧૦માં સ્થાન મેળવ્યું છે. તેઓ ૨૦૨૩માં ઇં૮૩.૪ બિલિયનની નેટવર્થ સાથે ૯મા ક્રમે રહ્યા, જ્યારે ૨૦૨૨માં તેઓ ૯૦.૭ બિલિયનની નેટવર્થ સાથે ૧૦મા ક્રમે હતા.

મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. આ વર્ષની યાદીમાં મુકેશ અંબાણી માઈક્રોસોટના સ્ટીવ બાલ્મર, ગૂગલના લેરી પેજ અને સર્ગેઈ બ્રિન, ફેસબુકના માર્ક ઝકરબર્ગ અને ડેલ ટેક્નોલોજીના માઈકલ ડેલથી આગળ છે. વિશ્ર્વના સૌથી અમીર લોકોની યાદીમાં પહેલા નંબરે બર્નાર્ડ આર્નોલ્ટ, બીજા નંબરે એલોન મસ્ક અને ત્રીજા નંબરે જેફ બેઝોસ છે.

આ યાદીમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ૨૪મા નંબરે છે. અદાણી ૨૪ જાન્યુઆરીએ વિશ્ર્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા. ત્યારે તેમની કુલ સંપત્તિ લગભગ ઇં૧૨૬ બિલિયન હતી. અમેરિકા શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલને પગલે તેમની કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો. તેમની કુલ નેટવર્થ હવે ૪૭.૨ બિલિયન છે અને તેઓ અંબાણી પછી બીજા સૌથી ધનિક ભારતીય છે.

ફોર્બ્સની યાદી પ્રમાણે, દુનિયાના ૨૫ સૌથી ધનિક લોકોની કુલ નેટવર્થ ઇં૨.૧ ટ્રિલિયન છે, જે ૨૦૨૨માં ઇં૨.૩ ટ્રિલિયન હતી. એટલે કે આ વર્ષે દુનિયાના ૨૫ સૌથી અમીર લોકોની કુલ નેટવર્થમાં ઇં૨૦૦ બિલિયનનો ઘટાડો થયો છે.

જેફ બેઝોસને સૌથી વધુ નુક્સાન થયું છે કારણ કે એમેઝોનના શેરમાં ૩૮%નો ઘટાડો થયો છે. આ ઘટાડાથી બેઝોસની કુલ સંપત્તિમાં ઇં૫૭ બિલિયનનો ઘટાડો થયો. ૨૦૨૨માં તેઓ અમીરોની યાદીમાં દુનિયામાં બીજા ક્રમે હતા અને આ વર્ષે તેઓ ૩ નંબરે પહોંચી ગયા છે.

આ વર્ષના બીજા મોટા લૂઝર એલોન મસ્ક છે. ટ્વિટર ખરીદ્યા પછી તેમણે વિશ્ર્વના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ ગુમાવ્યું. ટેસ્લાના શેરમાં ઘટાડો થવાને કારણે અને ટ્વિટર ખરીદવા માટે શેર વેચવાને કારણે મસ્કની નેટવર્થમાં એક વર્ષ પહેલાંની સરખામણીએ ઇં૩૯ બિલિયનનો ઘટાડો થયો છે. આ કારણે, તેઓ ઇં૧૮૦ બિલિયનની નેટવર્થ સાથે નંબર એકથી બીજા નંબર પર સરકી ગયા છે.

ફોર્બ્સની આ અબજોપતિઓની યાદીમાં કુલ ૧૬૯ ભારતીયોનાં નામ છે. ગયા વર્ષે આ સંખ્યા ૧૬૬ હતી. સંખ્યા ભલે વધારે હોય, પરંતુ તેમની કુલ નેટવર્થમાં ૧૦%નો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષની સરખામણીમાં તેમની નેટવર્થ ઇં૭૫૦ બિલિયનથી ઘટીને ઇં૬૭૫ બિલિયન થઈ ગઈ છે. આ ઘટાડા માટે ગૌતમ અદાણી સૌથી વધુ જવાબદાર છે.

આ યાદીમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પછી ૨૫.૬ અબજ ડોલરની નેટવર્થ સાથે શિવ નાદર ત્રીજા ભારતીય છે. સાયરસ પૂનાવાલા ૨૨.૬ બિલિયન ડોલરની નેટવર્થ સાથે ચોથા નંબરે અને લક્ષ્મી મિત્તલ ૫મા નંબરે છે. છઠ્ઠા નંબરે સાવિત્રી જિંદાલ, સાતમા નંબરે દિલીપ સંઘવી, આઠમા નંબરે રાધાકિશન દામાની, નવમા નંબરે કુમાર મંગલમ બિરલા અને દસમા નંબરે ઉદય કોટક છે.

ગયા વર્ષે ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં કુલ ૨,૬૬૮ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ૨૦૨૩માં આ સંખ્યા ઘટીને ૨,૬૪૦ થઈ ગઈ છે. ફોર્બ્સ અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સમાં હજુ પણ સૌથી વધુ ૭૩૫ અબજોપતિ છે. તેમની કુલ સંપત્તિ ૪.૫ ટ્રિલિયન છે. ચીન (હોંગકોંગ અને મકાઉ સહિત) ૫૬૨ અબજોપતિ સાથે બીજા સ્થાને છે. તેમની સામૂહિક નેટવર્થ ઇં૨ ટ્રિલિયન છે. તે પછી ભારત ૧૬૯ અબજપતિઓ સાથે ત્રીજા નંબર પર છે. તેમની સામૂહિક નેટવર્થ ઇં૬૭૫ બિલિયન છે. નેટવર્થની ગણતરી કરવા માટે, ફોર્બ્સે ૧૦ માર્ચ, ૨૦૨૩થી સ્ટોકની કિંમત અને એક્સચેન્જ રેટનો ઉપયોગ કર્યો છે.