અંતે ૫ દિવસની શોધખોળ બાદ સુલીપુરના લાપતા આર્મી જવાનનો મૃતદેહ હાથ લાગ્યો, પરિવારે અન્નજળનો ત્યાગ કર્યો હતો

મહેસાણા,મહેસાણાના સુલીપુર ગામના આર્મી જવાન રાયસંગજી ઠાકોરનો મૃતદેહ ૫ દિવસની શોધખોળ બાદ મળી આવ્યો છે. સિક્કિમની તીસ્તા નદીમાંથી આર્મી જવાનનો મૃતદેહ મળી આવતા પરિવાર સહિત ગામમાં શોક વ્યાપ્યો છે. મહત્વનું છે કે, ગંગટોક જતી વખતે મંગન જિલ્લાની તીસ્તા નદીમાં આર્મીની ટ્રક પલટી હતી. આ અકસ્માત બાદથી રાયસંગજી ઠાકોર લાપતા હતા. લાપતા આર્મી જવાનની ૫ દિવસથી નદીમાં શોધખોળ ચાલી રહી હતી. આર્મી જવાનના ગુમ થયા બાદ પરિવારે અન્નજળનો ત્યાગ કર્યો હતો. આર્મી જવાનને શોધવા પરિવારે કરી માગ કરી હતી.

વડનગર તાલુકાના સુલીપુર ગામના ૨૬ વર્ષીય રાયસંગજી ઠાકોરે અભ્યાસ પૂરો કર્યા બાદ સેનામાં ફોર્મ ભર્યું હતું. રાયસંગજીની ૨૦૧૭માં આર્મીમાં પસંદગી થઈ ગઈ હતી. વિગતો મુજબ રાયસંગજીનું પ્રથમ પોસ્ટિંગ જમ્મુ ખાતે થયું હતું. જમ્મુમાં ફરજ બજાવ્યા બાદ તેમનું સિક્કીમમાં પોસ્ટિંગ થયું હતું. જ્યાં યુનિટ-૫૧૭, બટાલિયન છજીઝ્રમાં તેઓ ફરજ બજાવતા હતા.

માહિતી મુજબ આ આર્મી જવાન રજાઓમાં પોતાના પરિવારને મળવા આવવાના હતા. ૧ એપ્રિલના રોજ સવારના ૦૮.૩૦ વાગ્યે આ જવાનની તેમની પત્નિ સાથે વાતચીત થઈ હતી. જે બાદમાં ૯ વાગ્યા પછી ફોન નહીં લગતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. આ તરફ સવારના ૧૦.૩૦ આસપાસ બંગાળના સિલ્લીગુડીથી સિક્કીમના ગંગટોક આર્મીની ટ્રક લઈ જવાન રાયસંગજી ઠાકોર જઈ રહ્યા હતા ત્યારે ટ્રક નદીમાં ખાબકી હતી.

તિસ્તા નદીમાં ટ્રક ખાબક્યા બાદ ૧ એપ્રિલની સાંજે ૮.૩૦ વાગ્યે આર્મી ઓફિસરનો રાયસંગજીની પત્નીના નંબર પર ફોન આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તમારા પતિની ગાડીનો અકસ્માત થઈ ગયો છે, હાલ તિસ્તા નદીમાં ડૂબી ગયેલા રાયસંગજી ઠાકોરની શોધખોળ કરવામાં આવી રહી છે. આર્મી જવાન રાયસંગજી સાથે બનેલી આ દુર્ઘટનાના સમાચાર આવતા જ પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ તેવો ઘાટ ઘડાયો હતો. આ અંગે જાણ થતાં પરિવારનાં સગા-સંબંધીઓ પણ પરિવારને મળવા અને આશ્ર્વાસન આપવા માટે આવી રહ્યાં હતા. આર્મી જવાનના ગુમ થયા બાદ પરિવારે અન્નજળનો ત્યાગ કર્યો હતો. પાંચ દિવસની શોધખોળ બાદ આજે તેમનો મૃતદેહ મળી આવ્યો છે. માત્ર ૮ માસના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે. આર્મી જવાન મૃત હાલતમાં મળી આવતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.