બેંગ્લુરુ,કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સહિતના તમામ પક્ષો હાલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. એક તરફ ઉમેદવારોની જાહેરાત થઈ રહી છે તો બીજી તરફ કોંગ્રેસમાંથી ખેંચતાણના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ કોંગ્રેસની સ્થિતી મજબુત દેખાઈ રહી છે ત્યારે હવે મુખ્યમંત્રી પદને લઈને મોટા નેતાઓ સામ સામે હોવાના પણ અહેવાલ છે.
જો કોંગ્રેસ ચૂંટણી જીતે તો મુખ્યમંત્રીની કોણ હશે તેનો પાર્ટીએ હજુ સુધી ખુલાસો કર્યો નથી. આ ચૂંટણીમાં પણ કોંગ્રેસ મુખ્યમંત્રીના ચહેરા વગર લડી રહી છે. બીજી તરફ ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદને લઈને કોંગ્રેસમાં બબાલના પણ અહેવાલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડ ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવશે. બીજી તરફ વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર સિદ્ધારમૈયાએ આ બાબતને નકારી છે.
સિદ્ધારમૈયાએ કહ્યું કે, મીડિયામાં જે કહેવામાં આવી રહ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે. મુખ્યમંત્રીની પસંદગી એ લોકશાહી પ્રક્રિયા છે. તેમણે કહ્યું કે હું મુખ્યમંત્રી પદ માટે ઈચ્છુક છું, ડીકે શિવકુમાર પણ સીએમ પદ માટે ઈચ્છુક છે પરંતુ કહેવાઈ રહ્યું છે તે ખોટુ છે. એનડીટીવીના એક અહેવાલ અનુસાર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ સ્વીકાર્યું છે કે ડીકે શિવકુમાર અને તેઓ બંને મુખ્ય પ્રધાન પદના દાવેદાર છે, સિદ્ધારમૈયાએ દાવો કર્યો હતો કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો હાઈકમાન્ડ આગામી મુખ્યમંત્રી પસંદગીમાં દખલ નહીં કરે, ચૂંટાયેલા ધારાસભ્યો ચૂંટશે.
સિદ્ધારમૈયાએ આગળ જણાવ્યુ કે, એવું બિલકુલ નહીં થાય, આપણે લોક્તાંત્રિક પ્રક્રિયાને અનુસરવાનું છે. હાઈકમાન્ડ પોતાની રીતે કોઈ નિર્ણય નહીં લે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોના મત મુજબ નિર્ણય લેવાશે. કર્ણાટકમાં કોંગ્રેસના સંકટમોચન શિવકુમારને જુલાઇ ૨૦૨૦ માં સિદ્ધારમૈયાના વફાદાર દિનેશ ગુંડુ રાવની જગ્યાએ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતા.
સિદ્ધારમૈયાને સવાલ કરાયો કે, શા માટે કોઈ યુવા વ્યક્તિને તક આપવામાં આવતી નથી? આ સવાલનો સીધો જવાબ આપવાનો ઇનકાર કરતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, આ છેલ્લી ચૂંટણી હશે જે તે લડશે. સિદ્ધારમૈયા એ વાતને નકારી શકે છે કે સીએમ પદને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો, જો કે ફેબ્રુઆરીમાં બંને નેતાઓએ રાજ્યના ઉત્તર અને દક્ષિણ ભાગોમાં અલગ-અલગ બસ પ્રવાસો કર્યા હતા.