કોલકતા,પશ્ર્ચિમ બંગાળના હાવડા બાદ હુગલીમાં રામનવમીની શોભાયાત્રાને લઈને થયેલી હિંસા બાદ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ર્ચિમ બંગાળ સરકાર પાસેથી બંગાળમાં હિંસાને લઈને રિપોર્ટ માંગ્યો છે. બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે રામનવમી પર ગૃહ પ્રધાનને પત્ર લખીને બંગાળમાં હુગલી અને હાવડા જેવા સ્થળોએ હિન્દુઓ અને મુસ્લિમ તુષ્ટિકરણ પર એક્તરફી કાર્યવાહીનો આરોપ લગાવ્યો હતો.
સુકાંત મજુમદારના પત્રના જવાબમાં જ ગૃહ મંત્રાલયે બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી બંગાળ સરકારને ૨૪ કલાકમાં રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય સચિવને લખેલા પત્રમાં પૂછવામાં આવ્યું છે કે રાજ્યની પોલિસ તરફથી હિંસાને લઈને શું કાર્યવાહી કરવામાં આવી છે? રાજ્ય પોલીસ હિંસાને લઈને શું પગલાં લેવામાં આવ્યા છે? આ વિશે સંપૂર્ણ માહિતી માંગવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે પશ્ર્ચિમ બંગાળના હાવડાના શિવપુર અને હુગલી જિલ્લાના રિસદામાં રામનવમીના દિવસે અને ત્યારબાદ હિંસાની ઘટનાઓ બની છે. તેને ધ્યાનમાં રાખીને ભાજપના બંગાળ એકમના અધ્યક્ષ સુકાંત મજુમદારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ત્રણ પત્ર લખ્યા છે. તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ વાતચીત કરી છે. સુકાંત મજુમદારે આજે પણ કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો. પત્રમાં સુકાંત મજુમદારે આરોપ લગાવ્યો હતો કે પશ્ર્ચિમ બંગાળ પોલીસ પક્ષપાતપૂર્ણ કાર્યવાહી કરી રહી છે. હિન્દુઓની ધરપકડ કરવામાં આવી રહી છે, જ્યારે ગુનેગારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
આ દરમિયાન સુકાંત મજુમદારના નેતૃત્વમાં ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સીવી આનંદ બોઝને મળવા રાજભવન પહોંચ્યું હતું. ભાજપના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલને હસ્તક્ષેપની ફરિયાદ કરવા વિનંતી કરી હતી. સુકાંત મજુમદારે કહ્યું કે આ સમગ્ર મામલે પોલીસ મૂકદર્શક બની રહી. તમને જણાવી દઈએ કે આજે સુકાંત મજુમદાર હુગલીમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને રોક્યા.
બીજી તરફ શુભેન્દુ અધિકારીએ હિંસા માટે તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જીને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે મુસ્લિમ વોટબેંક તૃણમૂલ કોંગ્રેસથી સરકી રહી છે. એટલા માટે આ હિંસા જાણીજોઈને વિચારેલા કાવતરા હેઠળ કરવામાં આવી છે. તેમને કહ્યું કે આ હિંસા માટે ટીએમસીના નેતાઓ જવાબદાર છે અને મમતા બેનર્જી તેના માટે દોષિત છે. શુભેન્દુ અધિકારી એસએસકેએમ હોસ્પિટલમાં દાખલ ઘાયલ ભાજપ સમર્થકને મળ્યા હતા.