- અમે બજરંગબલીને માન આપીએ છીએ, પરંતુ ભાજપ આ ઘટનાની આડમાં રમખાણો કરવાની યોજના બનાવી શકે છે.
કોલકતા,પશ્ર્ચિમ બંગાળમાં રામ નવમી પર શરૂ થયેલી હિંસા હજુ પણ ચાલુ છે. હુગલીના રિશરા વિસ્તારમાં મોડી રાત્રે રેલવે સ્ટેશનની બહાર પથ્થરમારો થયો હતો. પૂર્વ રેલવેના ચીફ પીઆરઓ કૌશિક મિત્રાએ જણાવ્યું કે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાવડા-બાંડલ રૂટ પર તમામ લોકલ, મેલ અને એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન રાત્રે ૧૦ વાગ્યાથી ૧ વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું હતું. રિશરા સ્ટેશનની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હિંદુ ભાઈ-બહેનોને રમઝાન મહિનામાં મુસ્લિમોની રક્ષા કરવાની અપીલ કરી હતી. મમતાએ ૬ એપ્રિલે હનુમાન જયંતિ પહેલા આ અપીલ કરી છે. મમતાએ કહ્યું કે હું ૬ એપ્રિલ, હનુમાન જયંતીના દિવસે મારા લોકો માટે એલર્ટ જાહેર કરવા માગુ છું. અમે બજરંગબલીને માન આપીએ છીએ, પરંતુ ભાજપ આ ઘટનાની આડમાં રમખાણો કરવાની યોજના બનાવી શકે છે. બીજી તરફ હુગલીમાં હિંસા બાદ રાજ્યના ગવર્નર સીવી આનંદ બોઝે પોતાનો દાર્જિલિંગ કાર્યક્રમ રદ કરીને કોલકાતા જવા રવાના થઈ ગયા છે.
મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએંંમસી નેતા અભિષેક બેનર્જીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપ પર હિંસા ફેલાવવાનો આરોપ છે. આ વીડિયોમાં એક સરઘસ દેખાઈ રહ્યું છે, જેમાં એક યુવકના હાથમાં પિસ્તોલ છે. આ વીડિયોના કેપ્શનમાં અભિષેકે લખ્યું છે કે આ બીજેપીના રમખાણોની ફોર્મ્યુલા છે – સમુદાયોને એકબીજા વિરુદ્ધ ઉશ્કેરવા, રમખાણો ભડકાવવા માટે હથિયારો સપ્લાય કરવા, સમુદાયો વચ્ચે તણાવનું વાતાવરણ ઊભું કરવું અને રાજકીય લાભ ઉઠાવવો.
તેના જવાબમાં બંગાળ ભાજપે વિશ્ર્વ હિન્દુ પરિષદના સરઘસનો ડ્રોન વીડિયો શેર કર્યો અને લખ્યું કે આ સાચો વીડિયો છે જે વિએચપી દ્વારા શેર કરવામાં આવ્યો છે. અભિષેક બેનર્જીએ જે વીડિયો પોસ્ટ કર્યો છે તે VHPની મુલાકાતનો નથી. અભિષેક બેનર્જી હિન્દુઓને બદનામ કરી રહ્યા છે. લોકોને ધાર્મિક આધાર પર વહેંચવાના તેમના પ્રયાસોની તપાસ થવી જોઈએ. આ ગુનો છે.
બંગાળના બીજેપી નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે રિશરા રેલવે સ્ટેશન પર પથ્થરમારો અને બોમ્બ ફેંકવાને કારણે લોકલ અને એક્સપ્રેસ ટ્રેનોની અવરજવર બંધ કરવી પડી. રેપિડ એક્શન ફોર્સની કાર્યવાહી બાદ ટ્રેન સેવા ફરી શરૂ થઈ. રિશરા બળી રહી છે અને સમગ્ર રાજ્ય પ્રશાસન દિઘામાં બીચ હોલીડેની ઉજવણી કરી રહ્યું છે. આજે કોઈ સરઘસ નહોતું તો આજે બોમ્બ ફેંકીને આગ કેમ લગાવવામાં આવી? રાજ્ય સરકાર કહે છે કે બધું બરાબર છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરકાર નિષ્ફળ રહી છે. રાજ્યના લોકોની સુરક્ષા માટે CRPF ની તૈનાતી એકમાત્ર ઉપાય છે.
એ યાદ રહે કે ૩૦ માર્ચના રોજ શોભાયાત્રા દરમિયાન પશ્ર્ચિમ બંગાળના હાવડા, ઉત્તર દિનાજપુર અને ઈસ્લામપુરમાં હિંસક અથડામણ થઈ હતી. અહીં શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો હતો. જેમાં એક યુવકનું મોત થયું હતું, જ્યારે પાંચ-છ પોલીસકર્મી ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે હિંસા દરમિયાન યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. પોલીસે ટીયર ગેસની મદદથી લોકોને ત્યાંથી હટાવ્યા હતા. ત્યાં કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.૩૧ માર્ચે હાવડાના શિબપુરમાં ફરી એકવાર પથ્થરમારો અને આગચંપીની ઘટના સામે આવી. અહીં એક વર્ગે મંદિરોમાં તોડફોડ કરી છે. આ પછી પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. જેના પગલે બંને ઘટનાઓમાં ૩૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.૨ એપ્રિલે રિશરા શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં બંને જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો અને વાહનોને આગ ચાંપી હતી. પથ્થરમારામાં ભાજપના ધારાસભ્ય બિમન ઘોષ ઘાયલ થયા હતા. હુગલી અને આસપાસના વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં હિંસામાં સામેલ ૧૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે.