ભારત અને રશિયા ઉભરતી શક્તિઓ, બંને દેશો સાથે સંબંધો વધારવાની યોજના : ચીન

બીજીંગ,સરહદ વિવાદ વચ્ચે ચીને ભારત અને રશિયા પર મોટુ નિવેદન આપ્યુ હતું. ચીને કહ્યું હતું કે ભારત અને રશિયાને ઉભરતી શક્તિ છે અને આ બંને દેશો વચ્ચે ચીન સંબંધો વધારવાની યોજના બનાવી રહ્યું છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે ભારત અને રશિયા વિશ્ર્વની ઉભરતી શક્તિ છે. ચીને ભારત સાથે સંબંધો વધારવાની વાત પણ કરી હતી અને રશિયા સાથે વધુ સારા અને મજબૂત સંબંધો બનાવવાનો ઉલ્લેખ કર્યો હતો. રશિયાની નવી વિદેશ નીતિ અંગેના પ્રશ્ર્નના જવાબમાં માઓએ કહ્યું હતું કે ચીન, રશિયા અને ભારત નોંધપાત્ર પ્રભાવ ધરાવતા મોટા દેશો ઉભરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે ઊંડા અને જટિલ ફેરફારોનો સામનો કરી રહ્યા છે.

ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તા વાંગ શિયાઓજિયાને ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી. ચીન, રશિયા અને ભારત આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે વાતચીત કરીને અને સાચા બહુપક્ષીયવાદનો બચાવ કરીને અને વૈશ્ર્વિક પડકારોનો સંયુક્ત રીતે જવાબ આપીને વિશ્ર્વને સકારાત્મક સંકેત મોકલી શકે છે તેમ ટ્વિટમાં તેમણે લખ્યું હતું.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે ચીન અને રશિયા નવા પ્રકારના સંબંધો વિક્સાવવા માટે કામ કરી રહ્યા છે. જેમાં પરસ્પર આદર, શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને સહકારનો સમાવેશ થાય છે. આ દ્વિપક્ષીય સંબંધ કોઈ ત્રીજા પક્ષને ટાર્ગેટ બનાવવા માટે નથી કે તે કોઈ અન્ય દેશને પ્રભાવીત કરવા માટે નથી.