ગુજરાતના ખેડૂતો પર ફરી માવઠાનું સંકટ, પાંચ દિવસ સુધી રાજ્યના આ વિસ્તારો પર મેઘરાજા ત્રાટકશે.

  • પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી
  • મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં થઈ શકે વરસાદ
  • આજે મધ્ય ગુજરાતમાં પડી શકે છે વરસાદ 

ગુજરાતમાં અગાઉ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ આ વખતે તો અવારનવાર કમોસમી વરસાદ તૂટી પડ્યો હોઈ જગતનો તાત રાતાં પાણીએ રડી રહ્યો છે. ખેડૂતોના ઊભા પાકને લાખો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું હોવા છતાં રાજ્યમાંથી કમોસમી વરસાદ વિદાય લેવાનું નામ નથી રહ્યો. હવામાન વિભાગે ફરી પાંચ દિવસ કમોસમી વરસાદાની આગાહી કરી છે. 

કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે તેવી સ્થાનિક હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.  હવામાન વિભાગ ડાયરેક્ટર ડો. મનોરમાં મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી છે. આજે દાહોદ, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણના ઉપર અને મધ્ય લેવલે ટ્રફ સર્જાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને કારણે અમદાવાદમાં આજે હળવો વરસાદ પડવાની શક્યતા છે

6-7 અપ્રેલે અહીં ખાબકી શકે છે વરસાદ 
6 એપ્રિલે એટલે કે આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમરેલી, રાજકોટ અને દીવમાં વરસાદની આગાહી છે. 7 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.  રાજસ્થાન તરફ સાઈકલોનીક સર્ક્યુલેશનને લઈને ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. એપ્રિલ મહિનાની શરૂઆત પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ખેડૂતો માટે પીડાદાયક બનાવાની છે.