
લંડન,બ્રિટનના વડાપ્રધાન ૠષિ સુનક દ્વારા ‘ગ્રૂમિંગ ગેંગ્સ’નો સામનો કરવા માટે નવા ટાસ્ક ફોર્સની જાહેરાત કરી છે. બાળકો અને યુવતીઓનાં યૌનશોષણ માટે જવાબદાર ગુનેગારો સામે કડક કાર્યવાહી માટે આ ટાસ્ક ફોર્સમાં વિશેષજ્ઞ અધિકારીઓને પણ સામેલ કરવામાં આવશે.
બ્રિટનમાં ગંભીર ગુનાઓને અંજામ આપતી ઘણી ગેંગ પકડાતી નથી. બીજી તરફ પોલીસ એશિયન મૂળના ગુનેગારોને પકડવામાં આનાકાની કરે છે, જેથી જાતિવાદનો આરોપ ન લાગે. નવા ટાસ્ક ફોર્સની જાહેરાત કરતાં પહેલા સુનકે કહ્યું કે મહિલાઓ અને છોકરીઓની સુરક્ષા તે મારી પ્રાથમિક્તા છે. ગ્રૂમિંગ ગેંગ ટાસ્ક ફોર્સ સ્થાનિક પોલીસની મદદ કરશે. સુનકે ચેતવણી આપી હતી કે રાજકીય શુદ્ધતાએ અમને લાંબા સમય સુધી બાળકો અને મહિલાઓને શિકાર બનાવતા ગુનેગારો પર અકુંશ લગાવવાથી અટકાવ્યા હતા. ડેટા વિશ્લેષકો પોલીસ-રેકોર્ડ્સ, વંશીય ડેટા અને ગુપ્ત માહિતીનો ઉપયોગ કરીને ગુનેગારોને ઓળખવા માટે ટાસ્ક ફોર્સ સાથે કામ કરશે.
ટાસ્ક ફોર્સમાં એવા અધિકારીઓનો સમાવેશ થશે જેમને ગ્રૂમિંગ ગેંગની તપાસ કરવાનો બહોળો અનુભવ હોય. તેઓ ગેંગને જડમૂળથી ઉખેડવા અને ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે દેશભરના દળોને જરૂરી મદદ પૂરી પાડશે. મહિલાઓ બાળકો ગંભીર ગુનાઓ ભોગ બનતા હોવાનું ધ્યાને આવતા બ્રિટનના વડાપ્રધાન દ્વારા અપરાધીઓને અંકુશ કરવા આકરી કાર્યવાહી કરવા જઇ રહ્યા છે.
બ્રિટનના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને રવિવારે કહ્યું હતું કે જાતીય ગુનાઓને અંજામ આપતી ગેંગ પુરુષોની છે. તેમાંથી લગભગ મોટા ભાગના બ્રિટિશ પાકિસ્તાની છે. જોકે અધિકારીઓ કાર્યવાહીના નામે આંખ આડા કાન કરે છે. બ્રિટિશ પાકિસ્તાનીઓની એક ગેંગ છે જે મહિલાઓને ડ્રગ્સ આપે છે અને દુષ્કર્મ કરે છે. સરકારનું કહેવું છે કે ફરજિયાત રિપોર્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બાળશોષણ પર મૌન રાખનારાઓની જવાબદારી સુનિશ્ર્ચિત કરવામાં આવશે. સુનકે બાળકો અને યુવતીઓને નિશાન બનાવતી ગેંગ પર કાર્યવાહી કરવા તેમજ તેમના વડાઓએ મહત્તમ સજા સુનિશ્ર્ચિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
સરકારના મતે, ઓક્ટોબરમાં બાળજાતીય શોષણની તપાસમાં રોધરહામ અને રોશડેલમાં ગ્રૂમિંગ ગેંગ વચ્ચેની મિલીભગત જોવા મળી હતી પરંતુ કાર્યવાહી કરાઇ ન હતી. વિપક્ષી લેબર પાર્ટીએ સરકાર પર બ્રિટિશ પાકિસ્તાનીઓને નિશાન બનાવવા અને નિમ્ન સ્તરની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો.
બ્રિટનમાં ગુનાખોરી વધી રહી છે. બ્રિટનના ક્રાઈમ રેટ રિપોર્ટ અનુસાર, ૨૦૨૨-૨૩માં ક્રાઈમ રેટ ૧૦૦૦ વ્યક્તિદીઠ ૭૫.૮૮ છે. લગભગ ૮% છે. વેલ્સમાં આ દર ૮.૩% છે. અપરાધની ટોચ પર અસામાજિક વ્યવહાર છે. પછી જાતિવાદ છે. ડ્રગ્સ સંબંધિત ગુના પણ એક મોટો પડકાર છે. તેના કેસ લગભગ ૩% છે.