
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે પોરબંદર ક્રિકેટ એસોસિએશન દ્વારા એસસીએના વહીવટ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. રાજકોટ સ્થિત એસસીએમાં વર્ષોથી ભાઈ-ભત્રીજાવાદ અને વંશવાદ ચાલી રહ્યો હોવાના આક્ષેપો બાદ ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
પોરબંદર ક્રિકેટ એસોસિએશનના અગ્રણી કિરીટભાઈ સાવજાનીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, એસસીએમાં લાંબા સમયથી નવા સભ્યો બનાવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. તેમના કહેવા મુજબ, લોકશાહી ઢબે સંચાલન થવાને બદલે માત્ર વારસાઈ સભ્યતા આપવામાં આવી રહી છે, જે નિયમો અને રમતગમતની ભાવનાના વિરુદ્ધ છે.
તેમણે વધુમાં સવાલ ઉઠાવ્યો હતો કે સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓની અંદાજે ૨૦ જેટલી ક્રિકેટ એસોસિએશનો એસસીએ સાથે સંકળાયેલી હોવા છતાં તેમને સભ્યપદ કેમ આપવામાં આવતું નથી. આ કારણે સ્થાનિક સ્તરે ક્રિકેટના વિકાસને પણ અસર થઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
કિરીટભાઈ સાવજાનીએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે એસસીએનો સમગ્ર વહીવટ માત્ર ત્રણ પરિવારોના હાથમાં સીમિત થઈ ગયો છે. તેમના જણાવ્યા મુજબ શાહ, કામદાર અને દોષી પરિવાર વર્ષોથી એસોસિએશનના સંચાલનમાં પ્રભુત્વ જમાવી રહ્યા છે. જાકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ હાલ નાણાકીય ગેરરીતિ અંગે નહીં પરંતુ વહીવટી માળખા અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
આ મામલે પોરબંદર ક્રિકેટ એસોસિએશન દ્વારા સત્તાવાર રીતે કમિટીના જજ સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે ક્રિકેટરો અને રમતના વિકાસને બદલે સંગઠનમાં પરિવારવાદ અને જૂથવાદને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.આક્ષેપો બાદ હવે ક્રિકેટ વર્તુળોમાં ચર્ચા તેજ બની છે કે એસસીએનું વહીવટ ખરેખર પારદર્શક રીતે ચાલી રહ્યું છે કે નહીં. હવે સૌની નજર કમિટી દ્વારા લેવામાં આવતા આગામી નિર્ણય પર ટકેલી છે.