
તિરૂપતિ,જાહ્વવી કપૂર બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે તિરુપતિ બાલાજી દર્શન માટે પહોંચી હતી. બંનેએ પોતાની રિલેશનશિપ વિશે સત્તાવાર રીતે કશું બોલ્યા વિના પણ સતત પારિવારિક, સામાજિક અને હવે ધાર્મિક કાર્યોમાં પણ સજોડે હાજરી આપીને તેના પુરાવા આપી દીધા છે.
જાહ્નવી અને શિખર તથા અન્ય પરિવારજનો તિરુપતિ બાલાજી મંદિરની બહાર જોવા મળ્યાં હતાં. જાહ્વવીએ પરંપરાગત સાઉથ ઈન્ડિયન વો પરીધાન કર્યાં હતાં. શિખરે પણ ધોતીની સાથે ગોલ્ડન ઝાંય ધરાવતો ગુલાબી ઉપરણો પહેર્યો હતો. શિખર મૂળ મહારાષ્ટ્રીય પરિવારમાંથી આવે છે પરંતુ આ વો સાથે તેણે જાહ્નવીના મોસાળ જેવાં દક્ષિણ ભારતીય પહેરવેશ તથા રસમોને સંપૂર્ણપણે અપનાવી લીધાં હોવાનું જણાતું હતું.
આ વીડિયો વાયરલ થતાં ચાહકોએ બંને લગ્નપૂર્વેનાં આશીર્વાદ લેવા ગયાં હતાં કે કેમ તેવી અટકળો વ્યક્ત કરી હતી. શિખર હવે જાહ્વવીના પરિવાર સાથે તેમની ફોરેન ટ્રીપ્સમાં ઉપરાંત સામાજિક અને પારિવારિક પ્રસંગોમાં પણ સાથે સાથે દેખાય છે. કેટલીય ઈવેન્ટમાં તો બોની કપૂર અને શિખર સાથે સાથે હોય છે. થોડા સમય પહેલાં કરણ જોહરના ટીવી શોમાં જાહ્નવી કપૂરે શિખર સાથેના તેના સંબંધો કબૂલ્યા હતા. જોકે, તે વખતે આ સંબંધો જાહ્વવીના ભૂતકાળ તરીકે ગણાવાયા હતા. પરંતુ, તે પછી બંનેના સંબંધો ફરી તાજા થઈ ગયા છે.