ધોનીએ રેકોર્ડ બનાવ્યો:૫૦૦૦ રન પૂરા કરનાર પહેલા વિકેટકીપર બેટર, છેલ્લી ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા

ચેન્નાઇ,સોમવારે આઇપીએલની છઠ્ઠી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ધોની બ્રિગેડે લખનઉને રોમાંચક મેચમાં ૧૨ રને પરાજય આપ્યો હતો. આ મેચમાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી, તેવા કેપ્ટન મહેન્દ્રસિંહે પણ પોતાના આગમનથી પોતાના ફેન્સને ખુશ કરી દીધા છે. પહેલી મેચમાં ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ અમદાવાદ છે, તો પણ ધોની…ધોની…ના નામથી ગુંજતું હતું. તો સોમવારે રમાયેલી તેમના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં આખું સ્ટેડિયમ ધોની…ધોનીથી ગુંજતું હતું. તેમાં પણ તેમણે છેલ્લી ઓવરમાં આવીને માર્ક વૂડની બોલિંગમાં બે બોલમાં બે છગ્ગા ફટકારીને ટીમને શાનદાર ફિનિશિંગ કરાવ્યું હતું.

આ દરમિયાન તેમણે રેકોર્ડ બ્રેક કર્યો છે. એક એવો રેકોર્ડ જે કદાચ ભાગ્યે જ કોઈ તોડી શકશે. તેમણે લખનઉ સામેની મેચમાં બે છગ્ગા ફટકારીને આઇપીએલમાં ૫ હજાર રન પૂરા કર્યા છે. તેઓ આવું કરનારા પાંચમા ભારતીય બની ગયા અને પહેલા વિકેટકીપર બેટર બની ગયા છે.

લેજેન્ડરી પ્લેયર મહેન્દ્રસિંહ ધોનીએ માર્ક વૂડની બોલિંગમાં બે બોલમાં બે છગ્ગા ફટકારીને રેકોર્ડ બનાવ્યો છે. તેમણે આઇપીએલમાં ૫ હજાર રન પૂરા કરી દીધા છે. આ સાથે જ તેઓ આવું પરાક્રમ કરનાર પાંચમા ભારતીય ખેલાડી બની ગયા છે. આની પહેલાં વિરાટ કોહલી, શિખર ધવન, સુરેશ રૈના, રોહિત શર્મા આ ક્લબમાં જોડાયા છે.

જ્યારે ૫૦૦૦ રન પૂરા કરનાર પહેલા વિકેટકીપર બેટર બની ગયા છે. ઉપરાંત તેઓ આવું કરનારા પહેલા મિડલ ઓર્ડર બેટર પણ બની ગયા છે. તેમની પહેલા કોઈ જ મિડલ ઓર્ડર બેટર આઇપીએલમાં ૫૦૦૦ રન પૂરા કરી શક્યો નથી.

ભારતીય પ્લેયર તરીકે બીજા સૌથી ઝડપે પાંચ હજાર રન પૂરા કરનાર પ્લેયર પણ ધોની બન્યા છે. તેઓએ આ અચિવમેન્ટ ૩૬૯૧ બોલ લઈને પૂરું કર્યું છે. ભારતીય પ્લેયર તરીકે સૌથી ઝડપે ઈન્ડિયન પ્લેયર તરીકે આ લિસ્ટમાં નામ સુરેશ રેનાનું છે. રૈનાએ ૩૬૧૯ બોલમાં આઇપીએલમાં ૫૦૦૦ રન પૂરા કર્યા હતા. આ મામલે રોહિત શર્મા ત્રીજા નંબરે છે, તેમણે ૩૮૧૭ બોલમાં, જ્યારે ચોથા નંબરે વિરાટ કોહલી (૩૮૨૭ બોલમાં)આઇપીએલમાં પાંચ હજાર રન પૂરા કર્યા છે.

મહેન્દ્રસિંહ ધોની ૧૩૫ ની સ્ટ્રાઈક રેટસ સાથે આઇપીએલમાં પાંચ હજાર રન પૂરા કરનાર બીજા ભારતીય પ્લેયર છે. તેમણે ૧૩૫.૫૪ની સ્ટ્રાઈક રેટથી ૫૦૦૪* રન બનાવ્યા છે. આ લિસ્ટમાં પહેલા નંબરે સુરેશ રૈના છે. સુરેશે ૧૩૭.૧૭ની સ્ટ્રાઈક રેટથી ૫૫૨૮ રન બનાવ્યા હતા.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે.આઇપીએલમાં છેલ્લી ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ મહેન્દ્રસિંહ ધોનીએ બનાવ્યો છે.આઇપીએલની ૨૦મી ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડીઓમાં તેઓ પહેલા નંબરે છે. તેમના નામે કુલ ૫૫ છગ્ગા બોલે છે. તેમના પછી કાયરન પોલાર્ડના નામે ૩૩ છગ્ગા છે. ત્રીજા નંબરે સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા છે, તેમણે ૨૬ છગ્ગા ફટકાર્યા છે. તો હાર્દિક પંડ્યા ૨૫ છગ્ગા સાથે ચોથા નંબરે છે. આ લિસ્ટમાં પાંચમાં નંબરે કેપ્ટન રોહિત શર્મા છે. રોહિતે ૨૩ છગ્ગા માર્યા છે.