વડોદરા,વડોદરા શહેર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. મુંબઈ અને રાજસ્થાનથી સગીરાઓને વડોદરા લાવી દેહવેપારમાં ધકેલવાનો પ્રયાસ કરતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે આરોપી હાલ ફરાર છે. પોલીસે તેમની શોધખોળ આદરી છે. સગીરાઓ દેહવેપારના ચુંગલમાં ફસાય તે પહેલા જ પોલીસે કાર્યવાહી કરી સગીરાઓને બચાવી લીધી છે.
વડોદરા શહેર પોલીસે દેહવેપારના કાંડનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી મુજબ, સગીરાઓને ફેસલાવી દેહવેપારમાં ધકેલવાનો પ્રયાસ કરનાર આરોપી સુરેશ જયસ્વાલની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સુરેશ મુંબઈથી એક સગીરાને વડોદરા લાવ્યો હતો, જ્યારે તેનો સાથી વિષ્ણુ રાજસ્થાનથી ૨ સગીરાને વડોદરા લાવ્યો હતો. આ ત્રણેય સગીરા મૂળ રાજસ્થાનની હતી અને તેમને દેહવેપારમાં ધકેલવાનો પ્લાન હતો. પરંતુ આ પહેલા જ પોલીસે સુરેશની ધરપકડ કરી સગીરાઓને બચાવી લીધી હતી.
પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ એક સગીરાનો સોદો ૬૦ હજાર અને અન્ય બે સગીરાનો સોદો ૨૦-૨૦ હજારમાં કર્યો હતો. ભાવનગરના વિશાલ મકવાણા નામના શખ્સે કારની વ્યવસ્થા કરી તમામને ભાવનગર બોલાવ્યા હતા. પરંતુ આ મામલે વડોદરા શહેર પોલીસને માહિતી મળતા ત્વરિત કાર્યવાહી કરી આરોપી સુરેશને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ આદરી છે. માહિતી મુજબ, હાલ પોલીસે ત્રણેય સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી છે અને તેમના માતા-પિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. મૂખ્ય સૂત્રધાર સુરેશ મુંબઈનો હોવાથી પોલીસે મુંબઈ સુધી તપાસનો દોર શરૂ કરાયો છે.