આજથી સૌરાષ્ટ્ર યુનિ.માં પરીક્ષા:૫ જિલ્લાના ૧૩૨ કેન્દ્ર પર ૫૧,૧૮૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, બે સેશન્સમાં લેવાશે પરીક્ષા

રાજકોટ,બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે કોલેજોની પરીક્ષા શરૂ થઇ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલે ૫ એપ્રિલને બુધવારથી બીજા સત્રની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં ૫૧ કોર્ષના ૫૧,૧૮૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે આ માટે ૧૩૨ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. કુલ ૫૧,૧૮૪ વિદ્યાર્થીઓમાંથી ૧૪ કોર્ષના ૪,૧૮૯ વિદ્યાર્થીઓના પેપર ઓનલાઈન મોકલવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક સાથે બબ્બે પેપર લીક થયા બાદ સત્તાધીશો સફાળા જાગ્યા હોય તેમ પેપરો ઓનલાઈન મોકલવાનું જાહેર કર્યુ હતું. જોકે તેનું સંપૂર્ણ અમલીકર હજુ સુધી થયું નથી જેથી થોડા પેપરો ઓનલાઈન તો મોટા ભાગના પેપરો ઓલાઈન મોકલવામાં આવે છે. આવતીકાલથી શરુ થતી પરીક્ષાની વાત કરીએ તો તેમાં ૧૪ કોર્ષના ૪,૧૮૯ જેટલા પેપરો કેન્દ્રો પર ઓનલાઈન મોકલવામાં આવશે. ૫ જિલ્લામાં ૧૩૨ કેન્દ્રો પરથી લેવાનારી પરીક્ષામાં ૭૮ કેન્દ્રો પર જ ઓબ્ઝર્વરની નિમણુક કરાઈ છે. પરંતુ દરેક કેન્દ્રો પર સી.સી.ટી.વી. વેબસાઈટ પર લાઈવ નિહાળી શકાશે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

આ સાથે પરીક્ષામાં ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જેથી જે-તે કોલેજના પ્રશ્ર્નપત્રોમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અપાયેલા પેપરોમાં કોલેજનો કોડ હશે જેથી પેપર લીક થાય તો કઈ કોલેજમાંથી લીક થયું તે સરળતાથી જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે બે સેશન્સમાં લેવાનાર પરીક્ષામાં પ્રથમ પરીક્ષા સવારે ૧૦.૩૦ થી ૧ અને બીજી પરીક્ષા બપોરે ૨.૩૦ થી ૫ વાગ્યા સુધી એમ બે સેશન્સમાં લેવામાં આવશે.