દાહોદ,દાહોદ શહેરમાં રામનવમીના પર્વ નિમિત્તે નીકળેલી ભવ્ય રામ યાત્રામાં તસ્કરોએ પોતાનો કસબ અજમાવી ત્રણ જુદા જુદા સ્થળેથી મોબાઈલની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જોકે રામયાત્રા દરમિયાન અન્ય સ્થળોએ પણ મોબાઈલ ચોરીની ઘટનાઓ બની હોવાની કહેવાય રહ્યું છે ત્યારે હાલ દાહોદ ટાઉન પોલીસે જુદા જુદા બે બનાવોમાં ગુનો દાખલ કર્યા હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેરમાં 30 મી એપ્રિલના રોજ રામનવમીના પર્વની નિમિત્તે નીકળેલી ભવ્ય રામયાત્રામાં રામ ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું હતું. તે સમયે આવા ભીડભાડમાં તસ્કરોને મોકલું મેદાન મળતા પોતાનો કસબ અજમાવી મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. જેમાં પ્રથમ બનાવ
સ્ટેશન રોડ ઉપર મહાપ્રસાદી સ્થળ પર થયો હતો. જ્યાં દાહોદ શહેરના જૂની કોર્ટ પાછળ રહેતા સચિનભાઈ ભરતભાઈ દંતાણી શોભાયાત્રામાં સાંજના સમયે તેમના ઘરેથી તેમના કાકાના છોકરા જોડે શોભાયાત્રા જોવા માટે દાહોદ શહેરમાં ચાર થાંભલા પાસે આવી સ્ટેશન રોડ ઉપર આવ્યા હતા.અને ત્યાંથી સ્વામી વિવેકાનંદ સર્કલની બાજુમાં ચાલતા ચાલતા રેલવે સ્ટેશન ઉપર ગયા હતા અને ગણેશ ભોજનાલય આગળ જમવાનો ભંડારો ચાલી રહ્યો હતો. જેથી તેમના કાકાનો છોકરો અને તેઓ સાંજના સમયે ભંડારામાં જમવા માટે ગયા હતા અને તેમનો મોબાઇલ તેમની જોડે હતો અને જમવામાં ભીડ વધારે હોય જેથી ધક્કામુક્કીમાં તેમનો મોબાઇલ તેમના ઝબ્બાના ખિસ્સામાં મૂક્યો હતો અને જમીને બહાર નીકળતા તેમના ઝબ્બાના ખિસ્સામાં તેમનો મુકેલો મોબાઈલ જોવા ન મળતા અને આજુબાજુમાં ભારે તપાસ કરવા છતાં તે મોબાઈલ ના મળતા અને કોઈ અજાણ્યા ચોર ઈસમે તેમનો મોબાઈલ ચોરી કરી ગયો હોવાની સીટીઝન પોર્ટલ ઉપર ઈ એફઆઇઆર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ બી ડિવિઝન પોલીસ મથક ખાતે આવી તેમના મોબાઈલના ડોક્યુમેન્ટની ખરાઈ કરાવી અને કોઈ અજાણ્યા ચોર ઈસમે તેમનો દશદજ્ઞ કંપનીનો મોબાઇલ જેની કિંમત 19,990/ના મોબાઈલની કોઈ અજાણ્યા ચોર ઈસમે ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે મોબાઈલ ચોરી અંગેનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યારે બીજો બનાવ ભગિની સમાજ બિરસા મુંડા સર્કલ આગળ બનવા પામ્યો હતો. જેમાં દાહોદ શહેરના સુખદેવકાકા કોલોની ખાતે રહેતા હિમાંશુ સુરેશભાઈ ડામોર રામનવમીના દિવસે રામયાત્રામાં જોવા ગયા હતા અને રામયાત્રા સાંજના 6 વાગ્યાના અરસામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની નજીકમાં આવેલા બિરસા મુંડા સર્કલ મસ્જિદની પાસેથી પસાર થતી હતી. તે વખતે તેમના પેન્ટના પાછલા કિસ્સામાં તેમનો મુકેલો મોબાઈલ ખિસ્સામાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમે ચોરી કરી લઈ જતા અને તેમના મોબાઈલમાં તેમના અગત્યના જરૂરી ડોક્યુમેન્ટ ડેટા હોય જેથી તેઓએ સીટીઝન પોર્ટલ ઉપર ઈ એફઆઇઆર દ્વારા ફરિયાદ નોંધાવી હતી અને તારીખ 2.4.2023 ના રોજ હિમાંશુ સુરેશભાઈ ડામોરે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે આવી રામયાત્રામાંથી તેમનો મોબાઇલ પાછળના ખિસ્સામાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમે ચોરી કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે રૂા. 6,000/-ની કિંમત ધરાવતા મોબાઈલની અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીએ છે કે, રામ યાત્રાના દિવસે ભીડભાડમાં તકનો લાભ લઈ મોબાઈલ ચોર ટોળકીએ જુદા જુદા સ્થળો પર મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપ્યું હોવાનું કહેવાય રહ્યું છે. જોકે, હાલ આ મામલે દાહોદ ટાઉન પોલીસે મોબાઈલ ચોરીના બે ગુનામાં ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.