
- ખાનગી એજન્સીની બોગસ કામગીરી અંગે કોઈ સચોટ તપાસ નહીં થતા લાખ્ખો રૂપિયાના બિલ પાસ થઈ ગયા.
દાહોદ,પ્રાપ્ત વિગતો મુજબ સરકારની નલ સે જલ યોજના અંતર્ગત ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવા માટેનું લક્ષ્યાંક સાચા અર્થમાં હાજપણ દેવગઢબારીયા તાલુકામાં સિદ્ધ થયું નથી. ચાલુ સાલે ચોમાસુ સત્રમાં વરસાદ ઓછો પડેલ હોય કુવાઓ અને તળાવોમાં પણ પાણીના સ્તર નીચા છે. ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે અને પીવાના પાણી માટેની નલ સે જલ યોજનાની કામગીરી હજુપણ દેવગઢબારીયા તાલુકાના ગામડામાં પુરી થઈ નથી. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ દેવગઢબારીયા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે. દેવગઢબારીયા તાલુકાના આમલી પાણી છોતરા, અસાયડી, અંતેલા, પીપલોદ, કોળીના પુવાળા, દુધિયા, સાગારામાં, સાગટાળા, સાતકુંડા, વાડોદર, હિંદોલિયા, રેબારી સહીત આજુબાજુના ગામડામાં પીવાનું પાણી પહોંચાડવા માટે પાઈપલાઈન નાખવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ પાઈપ નાખવાની ઊંડાઈનું પણ કોઈ ધ્યાન રાખવામાં આવ્યું નથી. સરકારે આ ગામડાના લોકોની મુશ્કેલી ધ્યાને લીધીના હોય તેમ સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા ઝડપી કામગીરી કરી નલ સે જલ યોજના મારફતે ઘરે ઘરે નળ પણ લગાવી આપ્યા છે. પરંતુ લેભાગુ અધિકારીઓ અને ખાનગી એજન્સીના પાપે આજે આ નળમાં પાણી ક્યારે આવશે. તેની ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે.
ગામના લોકોનું કહેવું છે કે, સરકારે યોજના તો જનતા માટે સારી શરૂ કરી પરંતુ અધિકારીઓ દ્વારા તેની અમલવારી ચોક્કસ રીતે ન થતા કોન્ટ્રાક્ટર અધૂરી કામગીરી છોડીને મોટી રકમના બિલ તલાટી અને સરપંચ જોડે થી ગ્રામપંચાયતના નામના ચેક બનાવી લઈ ક્યાંક ભૂગર્ભ માં જતા રહ્યા છે, તો હજુપણ અધૂરી કામગીરી પુરી કરવા પરત આવ્યા નથી. ઘણા ખરા ગામના લોકોને પીવાનું પાણી માંડ માંડ મળે છે. એવામાં પશુઓ માટે કેટલાક કિમી દુર નદીએ અથવા તળાવ ઉપર પોતાના પશુઢોરને પાણી પીવડાવવા લઈ જવુ પડતું હોય છે. ક્યાંક કોઈ એક ફળીયામાં એક માત્ર હેન્ડ પંપના સહારે પણ પીવાનું પાણી મેળવવું પડતું હોય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણી પુરવઠાના વાસ્મો વિભાગની લાખોની નલ સે જલ યોજના તો સાકાર કરાઇ પણ ક્યારેય પાણી નથી આવ્યું. પાણી પુરવઠા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી લાખો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે.