દિપડાના આતંકથી લોકો ભયભીત : ઘોઘંબાના કાંટાવેડા ગામે ૮ વર્ષીય ગોયાસુંડલ ગામે ૫ વર્ષીય બાળક પર હુમલો કરીને રામશરણ પહોંચાડયો

ઘોઘંબાના ગોયાસુંડલ ગામે રાત્રી દરમ્યાન દિપડાના હુમલામાં બાળકના મોતની ઘટના બાદ જીલ્લા કલેકટર તેમજ જીલ્લા વન સંરક્ષકએ મૃતક બાળકના પરિજનો સાથે મુલાકાત કરી.
  • વન વિભાગ દ્વારા ફેન્સીંગ હોવા છતાં ગાબડું પાડયું.
  • વનકર્મીઓની સુરક્ષામાં ચૂક : આડેધડ દિપડાનો આતંક.
  • અવારનવાર દિપડા એ માનવભક્ષ કરવા સાથે પશુઓનો મારણ.
  • દિપડાના આતંક હોવા છતાં વનકર્મીઓ માનવભક્ષી દિપડાઓને ઝબ્બે કરવામાં નિષ્ફળ.
  • છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ નિર્દોષ બાળકો ઉપર હુમલો કરવાના બનાવો.
  • માનવભક્ષી હુમલો ગામમાં ન પ્રવેશે તે માટે લોકોનું જાગરણ.
  • ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગ પાંજરે પુરે તેવી માંગ.
  • છેલ્લા અઠવાડિયાથી વનકર્મીઓ દ્વારા ખૂંખાર દિપડાને શોધવાની કવાયત.

ગોધરા,
પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના જંગલને અડીને આવેલા આંતરીયાળ વિસ્તારોમાં દિપડાના હુમલાના બનાવો વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં ઘોઘંબા તાલુકાના ત્રણ અલગ અલગ ગામોમાં બે આઠ વર્ષીય અને એક પાંચ વર્ષીય બાળકો ઉપર દિપડાના હુમલાના બનાવો બનવા પામ્યા છે. તેમાં આજરોજ ઘોઘંબાના કાંટાવેડા ગામે જંગલ નજીક બકરાં ચરાવવા ગયેલ બાળકને તેમજ ગોયાસુંડલ ગામે પોતાના ઘર પાસે રમતા બાળકને દિપડા એ મોતને ઘાટ ઉતારી દેતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ઘોઘંબા તાલુકાના બન્ને ગામોમાં દિપડા એ હુમલો કરી બાળકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાની જાણ રાજગઢ વન વિભાગને જાણ કરવામાં આવતાં ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને હિંસક દિપડાને ઝડપી પાડવા માટે પીંજરા ગોઠવવામાં આવ્યા છે.

પંચમહાલ જીલ્લામાં ધોધંબા તાલુકાના જંગલને અડીને આવેલ અંતરીયાળ ગામોમાં દિપડાના હુમલાના બનાવો વધી રહ્યા છે. જંગલ વિસ્તારોમાં માનવોની દખલગીરી વધી છે. જંગલોમા ખોરાક અને પાણીની અછત જોવા મળતા દિપડાઓ માનવ વસાહતો નજીક આવી રહ્યા છે. તેમાં હિંસક દિપડાઓ માનવ ઉપર હુમલો કરતા હોવાન અનેક બનાવો અવારનવાર સાંભળવા મળી રહ્યા છે. ઘોઘંબા તાલુકામાં છેલ્લા એક સપ્તાહમાં જંગલને અડીને આવેલ આંતરીયાળ ગામો દિપડાના હુમલાના ત્રણ કિસ્સાઓ બનવા પામ્યા છે. ૫ ડિસેમ્બરના રોજ ધોધંબાના પલ્લા ગામના કુપેચીયા ગામ રહેતા કરશનભાઈ રાઠવાનો ૮ વર્ષીય પુત્ર જનક ઘરમાંથી લધુશંકા કરવા માટે નિકળ્યો હતો. દરમ્યાન અચાનક હિંસક દિપડા એ બાળકને ગળાના ભાગે પકડી લેતાં ગંંભીર ઈજાઓ થવા પામી હતી. બાળક ઉપર થયેલ હુમલામાં લોકોએ બુમાબુમ કરી મૂકતા દિપડા બાળકને ઈજાઓ કરી નાશી છુટીયો હતો. દિપડાના હુમલામાં ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતા ઈજા પામેલ જગ્યાએ ચાર ટાંકા લેવામાં આવ્યા હતા. ઘર નજીક દિપડાના હુમલામાં બાળકનો જીવ બચી ગયો હતો. આ બનાવના પગલે ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને હિંસક દિપડાને પાંજરે પુરવા માટે રજુઆત કરી હતી.જેને લઈ ઘોઘંબાના અંતરીયાળ ગામોમાં દિપડાના હુમલા બનાવ અને આતંક હાલ પણ જોવા મળી રહ્યો છે.

આજરોજ ઘોઘંબા તાલુકાના કાંટાવેડા ગામે રહેતા વેચાતભાઈ નાયકનો ૮ વર્ષીય પુત્ર મેહુલ પોતાના ઘરેથી બકરા ચરાવવા માટે જંગલ નજીક ગયો હતો. તે વેળાએ ૮ વર્ષીય બાળક મેહુલ ઉપર દિપડા એ હુમલો કર્યો હતો અને બાળકને ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવવા પામ્યું હતું. ઘરેથી બકરા ચરાવવા માટે ગયેલ બાળક ઉપર દિપડાના હિંસક હુમલામાં મોત નિપજાવવાની ઘટનાની જાણ થતાં ગ્રામજનો જંગલ તરફ દોડી ગયા હતા અને દિપડાના હુમલામાં મોત અંગેની જાણ રાજગઢ ફોરેસ્ટ વિભાગને કરવામાંં આવતાં ફોરેસ્ટ વિભાગની ટીમ ધટના સ્થળે દોડી આવી હતી. ફોરેસ્ટ વિભાગ સમક્ષ ગ્રામજનો દ્વારા હિંસક દિપડાને પાંજરે પુરવાની માંગ કરાઈ છે. તો બીજી તરફ રાત્રીના આઠ વાગ્યાના સુમારે ઘોઘંબા તાલુકાના ગોયાસુંડલ ગામમાં પોતાના ઘર પાસે રમી રહેલા બાળક પર દિપડાએ માથાના તેમજ ગળાના ભાગે હુમલો કર્યો હતો. દિપડાએ કરેલા હુમલામાં બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા પાંચ વર્ષીય નિલેશ દિપભાઇ બારીયાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બનાવની જાણ ગ્રામજનોએ વન વિભાગને કરતાં ઘટના સ્થળે જીલ્લા કલેકટર તેમજ જીલ્લા વન સંરક્ષકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો. બનાવની ગંભીરતાને લઇને ઘટના સ્થળે પહોંચેલા જીલ્લા કલેકટરે ગ્રામજનોને સતર્કતા-સાવચેતી રાખવા અંગેની માહિતી આપી વનવિભાગને પણ સતર્ક રહી દિપડાને પાંજરે પુરવા માટેની કાર્યવાહીના આદેશ આપ્યા હતા.

અવારનવાર દિપડાના હુમલાના બનાવોને લઈ ગ્રામજનોમાં ડરનો માહોલ ઉભો થયો છે. ઘોઘંબા તાલુકાના અંતરીયાળ ગામોના ગ્રામજનો ખેતરો અને સીમમાં જવાનું ટાળી રહ્યા છે. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા હિંસક દિપડાને પાંજરે પુરે તેવી માંગ ઉઠવા પામી છે.

દાહોદ જીલ્લાના ધાનપુર અને દે.બારીઆમાં દિપડાના હુમલાના બનાવો વધ્યા

દિપડાના હુમલાના બનાવો માત્ર પંચમહાલ જીલ્લાના ઘોઘંબા પુરતા સીમીત નથી. દિપડાની માનવ વસ્તીમાં રંજાડની ઘટનાઓ સૌથી વધુ દાહોદ જીલ્લામાં ધાનપુર, દે.બારીઆમાં બની રહ્યા છે. ધાનપુર તાલુકામાં દિપડાના હુમલામાં અનેક વ્યકિતઓએ જીવ ગુમાવ્યા છે. જ્યારે દે.બારીઆ તાલુકામાં દિપડાના હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલ છે. તેમ છતાં આવા હિંસક દિપડાઓને પકડવાના ફોરેસ્ટ વિભાગના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. જેને લઈ ધાનપુર અને દે.બારીઆ તાલુકાના અંતરીયાળ ગામોના ગ્રામજનોમાં દિપડાના હુમલાથી ડરીને ખેતરો તેમજ સીમમાં જવાનું ટાળી રહ્યા છે.

પાવાગઢ ખુંદપીર નજીક અજાણ્યા વાહનની અડફેટે દિપડાનું મોત નિપજ્યું હતું

પંચમહાલ અને દાહોદ જીલ્લાના જંગલોમાં દિપડાની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ જંગલ વિસ્તારોમાં ખોરાક અને પાણીની શોધમાં માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. જેમાં માનવ ઉપર હુમલાના બનાવો વધી રહ્યા છે. પંચમહાલ જીલ્લામાં દિપડાની સંખ્યા વધી રહી છે. તેના પુરાવા સમાન પાવાગઢના ખુંદપીર નજીક રાત્રીના સમયે ખોરાકની શોધમાં નીકળેલ દિપડો અજાણ્યા વાહનની અડફેટમાં મોત નિપજેલ હાલતમાં મળી આવ્યો હતો.

રિપોર્ટર : યોગેશ કનોજીયા