
મુંબઇ,૯ મહિનાની લાંબી રાહ જોયા બાદ સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડોલ ૧૩ને તેનો વિજેતા મળ્યો છે. અયોધ્યાના ૠષિ સિંહે સિઝન ૧૩ની ટ્રોફી જીતી છે. આ ટ્રોફીની સાથે ૠષિને ચેનલ તરફથી ૨૫ લાખ રૂપિયાનો ચેક અને એક લક્ઝુરિયસ કાર પણ આપવામાં આવી હતી. ૠષિની જીત બાદ તેના ફેન્સની ખુશીની કોઈ સીમા નથી રહી.
શોના ગ્રાન્ડ ફિનાલેના છેલ્લા તબક્કામાં જાહેર જનતાના લાઇવ વોટિંગ દ્વારા વિજેતાની પસંદગી કરવામાં આવી હતી અને રિશીએ સૌથી વધુ મતો સાથે ઇન્ડિયન આઇડોલ ૧૩ જીત્યો હતો. ઈન્ડિયન આઈડલ ૧૩ સુધી પહોંચેલા ટોપ ૬ સ્પર્ધકોમાં દેબોસ્મિતા રોય ફર્સ્ટ રનર અપ અને ચિરાગ કોટવાલ સેકન્ડ રનર અપ હતા.
ટોપ ૬ ફાઇનલિસ્ટમાં ગુજરાતના શિવમ શાહ સાથે અયોધ્યાના ૠષિ સિંહ, જમ્મુના ચિરાગ કોટવાલ અને બંગાળના બિદિપ્તા ચક્રવર્તી, દેબાસ્મિતા રોય, સોનાક્ષી કરનો સમાવેશ થાય છે. વોટની સાથે દર્શકોએ આ તમામ સ્પર્ધકોને ભરપૂર પ્રેમ આપ્યો.
ૠષિ સિંહે પોતાના ઓડિશન રાઉન્ડમાં જ ત્રણેય જજોનું દિલ જીતી લીધું હતું. આ રાઉન્ડમાં તેણે બે ગીતો રજૂ કર્યા. તેની ‘વો પહેલે પ્યાર હૈ’ જજોને પસંદ આવી હતી. જજોએ ૠષિ સિંહની ગાયકી તેમજ તેના અવાજની ક્વોલિટીની પ્રશંસા કરી હતી. આ વખાણ સાથે જ ૠષિની ગાયન યાત્રા શરૂ થઈ અને તેણે ફરી પાછું વળીને જોયું નહીં.ૠષિ અયોધ્યાના રહેવાસી છે. ૠષિએ કહ્યું હતું કે, તેઓ તેમને ભાગ્યશાળી માને છે કે તેમનો જન્મ ભગવાન રામચંદ્રના અયોધ્યામાં થયો હતો.