આઇપીએલ ૨૦૨૩: વિદેશી ખેલાડીઓ પર પૈસા વરસાવવા ભારે પડ્યા, શરુઆતમાં જ કરી દીધા નિરાશ!

મુંબઇ,આઇપીએલ ૨૦૨૩ ની શરુઆતે જ વિદેશી ખેલાડીઓ પર ખૂબ ખર્ચેલા પૈસા સિઝનની શરુઆતમાં જ કામ નથી આવ્યા. ઓક્શન દરમિયાન ટીમોએ ખૂબ પૈસા વિદેશી ખેલાડીઓ પાછળ ખર્ચી દીધા હતા. પરંતુ જ્યારે મેદાનમાં આ ખેલાડીઓ ઉતર્યા તો કોઈએ ખૂબ રન લૂટાવ્યા તો કોઈ રન જ ના બનાવી શક્યુ. પંજાબ કિંગ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિન્યન્સ ટીમોએ ખેલાડીઓને ખરીદવા પાછળ ખૂબ બોલી લગાવી હતી. જેમના પર મોટી બોલી એ જ ખેલાડીઓ પોતાની પ્રથમ મેચમાં શાંત રહ્યા.

કેમરન ગ્રીનને ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સે ૧૭.૫ કરોડના ખર્ચે ખરીદ્યો હતો. પરંતુ આ ઓલરાઉન્ડર ના તો પ્રથમ મેચમાં રન બનાવી શક્યો કે ના તો તે બોલિંગથી પ્રભાવિત કરી શક્યો. તેણે ૩૦ રન ૨ ઓવરમાં ગુમાવીને ૧ વિકેટ મેળવી હતી.

પોઈન્ટ્સ ટેબલમાં સૌથી તળીયે રહેનાર સનરાઈઝર્સ હૈદરાબાદે આ સિઝનમાં સારુ પ્રદર્શન કરવાની આશા સાથે મોંઘા ખેલાડીઓને પોતાની સાથે જોડ્યા હતા. જેમાં ઈંગ્લેન્ડનો હેરી બ્રૂક ૧૩.૨૫ કરોડની રકમ સાથે હૈદરાબાદની ટીમમાં જોડાયો હતો. બ્રૂક પ્રથમ મેચમા માત્ર ૧૩ રન નોંધાવીને પરત ફર્યો હતો. તેણે આ માટે ૨૧ બોલનો સામનો કર્યો હતો. આ મેચમાં હૈદરાબાદનો ૭૨ રનથી પરાજય થયો હતો.

બેન સ્ટોક્સ. નામ મોટુ પણ પ્રથણ મેચમાં કામ નાનુ જોવા મળ્યુ. સ્ટોક્સને લઈ કહેવામાં આવતુ હતુ કે, ધોનીએ ખૂબ જબરદસ્ત રણનિતી બનાવી છે. પરંતુ સ્ટોક્સ પ્રથમ મેચમાં ગુજરાત સામે માત્ર ૭ રન બનાવીને પરત ફર્યો. તે સિઝનમાં બોલિંગ પણ કરનારો નથી. રાશીદ ખાને તેનો ખેલ પ્રથમ મેચમાં તમામ કરી દીધો હતો.

ટૂર્નામેન્ટનો સૌથી મોંઘો ખેલાડી સેમ કુરન છે. સિઝનમાં સૌથી વધુ પૈસા લઈને રમી રહેલ પંજાબ કિંગ્સના ખેલાડી સેમ કુરન ૧૮.૫ કરોડ રુપિયાની રકમની સેલેરી ધરાવી છે. જોકે તેણે કેમરન, બ્રૂક અને સ્ટોક્સ કરતા થોડૂ સારુ પ્રદર્શન કર્યુ છે. તેની ટીમને જીત મળી છે એટલે રાહત છે. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ૨ છગ્ગા વડે ૨૬ રન ૧૭ બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. તેમજ એક વિકેટ ૩ ઓવર કરીને ૩૮ રન ગુમાવી ઝડપી હતી.