ગરબાડા સી.એચ.સી.માં ઓર્થોપેડિકની સુવિધાના અભાવે દર્દીઓ પરેશાન

ગરબાડા,ગરબાડા તાલુકાનુ સોૈથી જુનુ એકમાત્ર સામુહિક આરોગ્ય કેન્દ્ર વર્ષોથી કાર્યરત છે. પણ આ દવાખાનામાં આજેપણ અમુક સુવિધાઓની અછત જોવા મળી રહી છે. આ વિસ્તારમાં રોડ અકસ્માતના પણ અનેક બનાવ બને છે ત્યારે ઈજાગ્રસ્ત દર્દીઓને ઓર્થોપેડિકની સારવાર માટે છેક દાહોદ સુધી લંબાવવુ પડે છે. ગરબાડા તાલુકાના અને મઘ્યપ્રદેશના દર્દીઓ પણ સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ગરબાડામાં આવતા હોય છે. હાલમાં અકસ્માતના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે આજેપણ એક બાઈક અને પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલકને પગના ભાગે ફ્રેકચર થતાં તેને ગરબાડા હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયાં ઈજાગ્રસ્તને સારવાર ન મળતા તેને વધુ સારવાર માટે 108 મારફતે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ઉલ્લેખનિય છેે કે,ગરબાડા-દાહોદ નેશનલ હાઈવે પર અવાર નવાર અકસ્માતોની ધટના બનતી હોય છે. અને ગરબાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ઓર્થોપેડિકની સુવિધા ન હોવાના કારણે ઈજાગ્રસ્તને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે અથવા તો પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે.