પટણા,રામ નવમીની શોભાયાત્રા દરમિયાન બિહારના નાલંદામાં ભડકેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. સ્થિતિ બેકાબૂ બનતી જોઈને સરકારે પેરા મિલિટરી ફોર્સની નવ કંપનીને બોલાવી છે. જેમાં સીઆરપીએફ અને આઇટીબીપીની ટુકડીઓનો સમાવેશ થાય છે. નાલંદાના ડીએમ અને એસપી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ ઘટના દરમિયાન અત્યાર સુધીમાં પથ્થરમારો કરનારા ૧૦૬થી વધુ બદમાશોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, બાકીના તોફાનીઓની ઓળખ કર્યા પછી, તેમની શોધમાં ઠેર ઠેર વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ સાથે શહેરમાં ફ્લેગ માર્ચ અને પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી સાંજે નાલંદા બિહારના બિહારશરીફના પહાડપુરા અને ખાસગંજ વિસ્તારમાં ગોળીબાર થયો હતો. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. જેમાંથી બે લોકોની હાલત નાજુક છે. આ પછી પણ અરાજક્તાવાદીઓ સક્રિય છે. પરિસ્થિતિ કાબૂ બહાર થતી જોઈને પ્રશાસને નવ કંપની પેરા મિલિટરી ફોર્સને બોલાવી છે.
એસપી અશોક મિશ્રાએ જણાવ્યું કે આ ઘટનામાં ઘાયલ એમડી શકીલ અહેમદ અંસારી અને એમડી તાજ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર હજુ ચાલુ છે. દરમિયાન, રવિવારે સવારે બિહારમાં હંગામાને જોતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બિહારના રાજ્યપાલ વિશ્ર્વનાથ આર્લેકર સાથે વાત કરી હતી. તેઓએ બિહાર શરીફ, સાસારામ અને અન્ય સ્થળોએ તોફાનીઓ દ્વારા કરવામાં આવેલી હિંસક ગતિવિધિઓ પછીની સ્થિતિ પર ચર્ચા કરી હતી.
ભવિષ્યની સંભવિત સ્થિતિ અંગે ચર્ચા કરતી વખતે સરકાર અને વહીવટીતંત્રની તૈયારીઓની જાણકારી મેળવી હતી. તેમણે એ પણ નિર્દેશ આપ્યો કે હિંસા કોઈ પણ સંજોગોમાં સહન ન કરવી જોઈએ. તેમણે અરાજક તત્વો પર કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીની રાજ્યપાલ સાથેની વાતચીત બાદ તરત જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બિહારમાં અર્ધલશ્કરી દળો મોકલવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય માટે આઇટીબીપી અને સીઆરપીએફની પાંચ ટુકડીઓને નાલંદા મોકલવામાં આવી છે. આ તમામ એકમો ગમે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને મોરચો સંભાળી શકે છે. એસપી અશોક કુમારે જણાવ્યું કે આ ટુકડીઓ વહેલી તકે નાલંદા પહોંચે તેવી અપેક્ષા છે.