મુંબઇ,૩૧ માર્ચથી ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઈ ગઈ છે. આઇપીએલની ૧૬મી સીઝનની શરૂઆત થતા જ ક્રિકેટ પંડિતો અને એક્સપર્ટ્સે વિજેતા ટીમ બાબતે પોતાની ભવિષ્યવાણી શરૂ કરી દીધી છે. ૩ વર્ષ બાદ આઇપીએલ જૂના અંદાજમાં ફરી છે. જો કે, પહેલાંની જેમ બધી ટીમો સાથે ૨-૨ મેચ રમવાની નથી, પરંતુ અડધી પોતાના ઘરે અને બહાર અડધી અડધી મેચ રમવાની છે. એવામાં ૩ વર્ષ બાદ ક્રિકેટ ફેન્સને પોતાની હોમ ટીમને પોતાના ઘરમાં જોવાનો ચાન્સ મળશે.
આ રોમાન્ચક લીગ બાબતે આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. એવામાં ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરે આ સીઝન બાબતે મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને જણાવ્યું કે આ સીઝનમાં આઇપીએલ ટ્રોફી કઈ ટીમ જીતશે.
માઇકલ વૉને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રોહિત શર્માની કેપ્ટન્સીવાળી મુંબઈ ઇન્ડિયન્સને પણ દાવેદાર બતાવી નથી. માઇકલ વૉન મુજબ આ વખત રાજસ્થાન રોયલ્સ આઇપીએલ ટ્રોફી જીતી શકે છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘મને લાગે છે કે રાજસ્થાન રોયલ્સ આ વર્ષે ટ્રોફી જીતી રહી છે, તે મેના અંતમાં ટ્રોફી ઉઠાવશે.’
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન રોયલ્સે પહેલી વખત શેન વોર્નની કેપ્ટન્સીમાં વર્ષ ૨૦૦૮ એટલે કે શરૂઆતી સીઝનમાં ટ્રોફી જીતી હતી. ત્યારબાદ ટીમ ગત સીઝનમાં ફાઇનલમાં પહોંચી હતી અને ગુજરાત ટાઈટન્સ સામે ફાઇનલ મેચમાં હારી ગઈ હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન જોશ બટલરે સૌથી વધુ રન બનાવ્યા હતા, પરંતુ ટીમને ટ્રોફી જીતાડી શક્યો નહોતો.