- વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો
- પથ્થરમારાની ઘટના બાદ SITની તપાસ શરૂ
- CCTV, વીડિયો અને ફોટોના આધારે તપાસ
- અત્યાર સુધી 30 આરોપીઓની ધરપકડ
વડોદરામાં રામ નવમીના દિવસે ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન થયેલા કોમી તોફાન મામલે SITની ટીમે તપાસ શરૂ કરી છે. SITની ટીમે CCTV, વીડિયો અને ફોટોના આધારે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, પથ્થરમારાની ઘટનામાં અત્યાર સુધી 30 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભડકાઉ ભાષણ આપનાર અને સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ મુકનારની પણ ધરપકડ કરવામાં આવી છે.
3 પોલીસ સ્ટેશનના PIની બદલી
વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી ગયા છે. પોલીસ કમિશનર દ્વારા શહેરના 3 પોલીસ સ્ટેશનના પીઆઈની બદલીનો આદેશ કર્યો છે. જેમાં સિટી પોલીસ મથકના પી.આઈ એસ.એમ.સગરની ટ્રાફિક વિભાગમાં બદલી કરાઈ છે. જ્યારે ગોરવાના પીઆઈ એચ.એમ. ધાંધલની સિટી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. તેમજ ટ્રાફિક પીઆઈ જે.એમ.મકવાણાને ગોરવા પોલીસ સ્ટેશનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
પથ્થરમારા અને બબાલની ઘટનામાં SITની રચના
વડોદરામાં રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં થયેલ પથ્થરમારા અને બબાલ મામલે SIT ની રચના કરવામાં આવી છે. જેમાં વડોદરા પોલીસ કમિશ્નર શમશેરસિંહ દ્વારા DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષપદે SITની રચના કરવામાં આવી છે. આ SITની ટીમમાં ACP ક્રાઇમ, ACP G ડિવિઝન અને ક્રાઇમ બ્રાંચના PIનો સમાવેશ તેમજ વડોદરા સિટી પોલીસ સ્ટેશનના PIનો સમાવેશ કરાયો છે.
VHP નેતાની ધરપકડ
પથ્થરમારા મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડોદરામાં પથ્થરમારા બાદ ઉશ્કેરણીજનક ભાષણ આપવા મામલે VHP નેતા રોહન કમલેશ શાહની પોલીસે અટકાયત કરી છે. ક્રાઈમ બ્રાંન્ચ ખાતે રોહન શાહની પૂછપરછ ચાલી રહી છે. ત્યારે રોહન શાહની સાથે અન્ય કેટલાક લોકોની પણ તપાસ ચાલી રહી છે. પથ્થરમારાની ઘટના બાદ ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ મુકવામાં આવ્યો છે.